માંડવીમાં કાલથી ફરી ટન...ટન...ના ટકોરા

માંડવીમાં કાલથી ફરી ટન...ટન...ના ટકોરા
રમેશ ગઢવી દ્વારા કાઠડા (તા. માંડવી), તા. 17 : રાજાશાહીના જમાનાના સમયમાં સુવિધાનો અભાવ હતો. લોકો સૂર્યની સામે જોઇ સમયનો અંદાજો કાઢતા. વડીલો પાસેથી જાણવા મળ્યું છે કે, રાજાશાહીમાં વિજયવિલાસ પેલેસ ઉપર બપોરે એક વાગ્યે ત્યારે બેલ વગાડવામાં આવે, ત્યારે ખબર પડે કે હવે એક વાગ્યો અને બપોર ટાણું થયું. પરંતુ સમય જતાં દિવસ દરમ્યાન સમયની પૂરી માહિતી મળી રહે તે માટે રાજદરબાર કે દાતાઓ તરફથી નગરમાં ટાવર બનાવી તેમાં ઘડિયાળ મૂકવામાં આવતા, જે એક ઉપયોગી વ્યવસ્થા બની હતી. પરંતુ માંડવીમાં ફરી એ જ જૂના ટકોરા સાંભળવા મળશે. વાત કરીએ બંદરીય શહેર માંડવીની, તો નગરમાં જે તે સમયે કલાક-કલાકની પૂરી માહિતી મળે તે માટે ત્રણેક સ્થળે આવાં ઘડિયાળ ધરાવતા ટાવર ઊભા કરવામાં આવ્યાં, જેમાં રાજાશાહી વખતનું સૌથી જૂનું ટાવર માંડવી પોર્ટ ઉપર છે, ત્યારે અહીં 84 બંદરના વાવટા ફરકતા. વહાણવટાનો વ્યવસાય ધમધમતો ત્યારે લોકોને ગોદી પર કામ કરતા કામદારાને આ ટાવરમાંથી સમયની પૂરી જાણકારી મળતી. પણ કાળક્રમે તે પણ ટાવરની મરંમતના અભાવે હાલમાં બંધ સ્થિતિમાં છે. તો અન્ય સ્થળ હજીરામાં પણ સમયની જાણકારી માટે આવાં ઘડિયાળ ધરાવતાં ટાવર છે. તો ત્રીજું ટાવર માંડવી શહેરના મધ્ય ભાગમાં શાકમાર્કેટ પાસે ભીમાણી ટાવર તરીકે ઓળખાતું આ ટાવર વર્ષ 1960માં મનુભાઇ કરશનભાઇ ભીમાણીએ તેમના પિતાજી કરશનભાઇ જેઠાભાઇ ભીમાણીના નામે બનાવીને નગરપાલિકાને અર્પણ કર્યું હતું. જે તે સમયે દર કલાકે ટકોરા પડતા અને નગર લોકોને બહુ જ ઉપયોગી થતું હતું. જેને પણ સમય પ્રમાણે મરંમતકામની જરૂર હોતાં હાલમાં વર્ષ 2020માં નગર અધ્યક્ષ મેહુલભાઇ શાહની આગેવાની હેઠળ નગર સેવા સદનના સહયોગથી સમારકામ કરાયું અને તેમાં દાતા તરફથી ઘડિયાળ નખાવી દેતાં ફરીથી વર્ષ 2020માં માંડવી નગરજનોને કલાકે કલાકે ટકોરા સંભળાતા થઇ ગયા હોવાનું નગર સેવા સદનના કાનજીભાઇ શિરોખાએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer