આનંદરૂપી પરમાત્મા ભીતરમાં છે

આનંદરૂપી પરમાત્મા ભીતરમાં છે
વિરાણી મોટી (તા. નખત્રાણા), તા. 17 : અહીંના રવિભાણ આશ્રમ રામ મંદિરના બ્રહ્મલીન મહંત લક્ષ્મીદાસજી ગુરૂપ્રિયાદાસજી મહારાજની 62મી નિર્વાણતિથિ ઉત્સવ મહંત શાંતિદાસજી મહારાજ ગુરૂ લક્ષ્મીદાસજી મહારાજ તથા મહંત કલ્યાણદાસજી મહારાજ (હરિસાહેબ આશ્રમ હિંગરિયા)ના સાંનિધ્યમાં ઊજવાઈ હતી. દિલીપભાઈ શાત્રીએ પૂજન-હવન કરાવ્યા હતા. દરિયાલાલ લોહાણા મહાજનવાડી સંસ્થાનમાં સાધુ સંતોના સત્કાર સન્માન સત્સંગ પ્રવચન યોજાયા હતા. જીવન કૃતાર્થ કરવા મારે શું કરવું જોઈએ? તેનું સતત ચિંતન કરજો અને સત્યને સમજવા કોઈ સંત સદગુરૂને શરણે રહેશો તો જ જીવન સફળ થશે તેવી શીખ રવિભાણ પરંપરાની મૂળ ગાદી કમીજલાના મહંત જાનકીદાસજી બાપુએ આપી હતી. મોરજર અખાડાના મહંત દિલીપરાજા કાપડીએ આપણો મૂળ ધર્મ સેવા ભક્તિ છે અને તે જીવન સફળ કરવાનું ઉત્તમ સાધન છે તેવી શીખ આપી હતી. ભાગવતાચાર્ય આશિષ મારાજ, મહંત કિશોર મારાજ (વરલી), ભરતદાસ (વાંઢાય), સહિત વક્તાઓએ સંબોધન કર્યા હતા. વીનેશરામ કોટવાલે પરંપરાના સંતોએ દેશની ધર્મ, સંસ્કૃતિને ઉજાગર કરવા આપેલા યોગદાનનું વર્ણન કર્યું હતું. પદ્મશ્રી એવોર્ડ વિજેતા નારાયણ જોષી, વીનેશરામ, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, મહાપ્રસાદના દાતા લીલાધરભાઈ પટેલ (ઉદયપુર)નું સન્માન કરાયું હતું. આભાર દર્શન કરતા મહંત શાંતિદાસજી બાપુએ જણાવ્યું કે `આનંદરૂપી પરમાત્મા આપણી ભીતરમાં છે. આત્માની ઓળખ કરનાર જીવ નિર્વાણપદ પામે. આ પ્રસંગે સંતો જગદીશદાસ (બંધરા), કાનજીદાદા કાપડી, મનુ ભગત, સાધ્વી પાર્વતીમા (લુડવા), જયશ્રીદેવી (નાગલપર), ચંપાદેવી (ભારાપર), શ્યામસુંદર મારાજ, હેમરાજ મારાજ, સંજય મારાજ (તરા) વિવિધ સંસ્થાનોના સંતો મહંતોને ભેટ પૂજન કરાયું હતું. આનુષંગિક વ્યવસ્થામાં ડો. મનસુખલાલ પાંચાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રામભન ગોસ્વામી, ભાવેશભાઈ આઈયા, મુકેશભાઈ બારૂ, પ્રવીણભાઈ છાભૈયાએ સહયોગ આપ્યો હતો. સંચાલન દિલીપ મારાજે કર્યું હતું. રાત્રે ભજનિક દેવરાજ ગઢવી, વંદનાબેન ગઢવી, મનુ ભગત, રમેશભાઈ જોષીની સંતવાણી યોજાઈ હતી. ઘોરની રકમ સનાતન સેવા સંઘની સેવા પ્રવૃત્તિમાં અર્પણ કરાઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer