ડાર્ક રૂમથી અખબારી `ફલેશ'' સુધીની અનોખી સફર

ડાર્ક રૂમથી અખબારી `ફલેશ'' સુધીની અનોખી સફર
સાડાત્રણ દાયકા અગાઉ જ્યારે ફોટા પડાવવા સ્ટેટસ સિમ્બોલ લેખાતું તેમાંયે સ્ટુડિયોની બહાર શોકેસમાં ફોટોગ્રાફર જેનો ફોટો ગોઠવે તે વ્યક્તિની ખૂબસુરતીની ચર્ચા થતી અને એક મોડલ જેટલો આત્મસંતોષ મળતો, આ એ જમાનાની વાત છે જ્યારે ફોટોગ્રાફીનો વ્યવસાય પૂરબહારમાં ખીલ્યો હતો. આવા ધૂમ ધંધા વચ્ચે કોઇ?અખબાર માટે એકાદ-બે ફોટા સંબંધના નાતે અથવા નજીવી રકમમાં પાડવા કોણ તૈયાર થાય ??ના તેવું નથી. તે જમાનામાં પણ એક `વીરલો' નામે વીરેન્દ્ર આચાર્યે પોતાના ધંધા વચ્ચે પણ એકાદ-બે ફોટા માટે આખો દિવસ અથવા રાત લગી પ્રવાસ ખેડીને આ કામ હસતા મોઢે કરીને નવો ચીલો પાડયો. મજાની વાત એ છે કે, આજે પત્રકાર હોય કે પ્રેસ ફોટોગ્રાફર યા તો સંબંધિત અખબારમાં ધંધાકીય રીતે અથવા નોકરીને લઇને જોડાય છે ત્યારે વીરેન્દ્ર આચાર્યએ માત્રને માત્ર?`કચ્છમિત્ર' માટે ફ્રીલાન્સ ફોટોગ્રાફર તરીકે કામ કર્યું ! આગળથી વાંકળિયા વાળ, શીળી ચાઠાં સાથેની ગંભીર મુખમુદ્રા ધરાવતા વીરેન્દ્ર આચાર્ય ખપપૂરતું બોલવાની પ્રકૃતિ ધરાવે છે. પરંતુ જ્યારે હાથમાં કેમેરો હોય ત્યારે તેના ફોટોગ્રાફ અખબારના પાને જે ભાષા બોલે તે વાચકોને ગળે શીરાની જેમ ઊતરી જાય તેવી તેની ખાસિયત. 60 વર્ષીય આ ફોટોગ્રાફરે ડાર્કરૂમના અંધારામાંથી અખબારની ફોટોગ્રાફીની ફ્લેશ તરફ સફળતાપૂર્વક કઇ રીતે પ્રયાણ કર્યું તે અંગે ગોઠડીમાં તેમણે રસપ્રદ છણાવટ કરી છે. આજે માત્ર પસંદગીનું અને પ્રતિષ્ઠિત ઘરાનાઓનું કામ કરતા વીરેન્દ્ર આચાર્ય એટલો તો અનુભવ ધરાવતા થઇ જ ગયા છે કે કેટલીક સંસ્થાઓના ફોટોગ્રાફ સાથે પ્રેસનોટ બનાવીને ફોટો જર્નાલિસ્ટની ફરજ પણ બજાવી લે છે. અખબાર માટે ફોટો પાડીને તુરંત જ પ્રિન્ટ કાઢી દેવા ટેવાયેલા આ ફોટોગ્રાફર સમયના પાબંદ છે. સ. ફોટોગ્રાફી તરફ રુચિ કઇ રીતે થઇ? જ. બહુ લાંબી વાત છે અને રસપ્રદ પણ છે. પણ ટૂંકમાં જણાવીશ. ભુજની પાટવાડી પ્રા. શાળામાં ભણતા ત્યારે હું, રમેશ માહેશ્વરી અને વીનેશ ઠક્કર ત્રણે એક જ વર્ગમાં અને ત્રણે વચ્ચે ગાઢ મિત્રતા. અહીં એક સ્પષ્ટતા કરી દઉં કે મારા બંને મિત્રોએ પણ મારી જેમ ફોટોગ્રાફીમાં જ કારકિર્દી ઘડી જેમાં રમેશ તો મારા વરસો સુધી પાર્ટનર રહ્યા છે. તો વીનેશનું અંજારમાં ફોટોગ્રાફી ક્ષેત્રે પ્રતિષ્ઠિત નામ છે. બંને મિત્રોના પોતાના સ્ટુડિયો છે. હા, હવે મૂળ વાત કરું તો વીનેશ પાળેશ્વરમાં રહેતો અને અમે તેને ઘરે ત્રણ જણ લેશન કરવા-વાંચવા જતા હતા. તે વખતે પાળેશ્વર સ્ટુડિયોનું હબ હતું. આ વિસ્તારમાં અનેક ફોટો સ્ટુડિયો હતા. વીનેશના ઘર સામે જ કચ્છના નામી ફોટોગ્રાફર દિનેશ છત્રાળાનો સ્ટુડિયો હતો. દિનેશભાઇ ઓળખતા થયા એટલે પોતે ફોટો પાડવા જાય ત્યાં સુધી અમને કહી જતા કે, છોકરાઓ ધ્યાન રાખજો, આવું છું. '70નો દાયકો હતો અને ધીમેધીમે સ્ટુડિયોમાં સાફસફાઇ પણ કરવા લાગ્યા. તે વખતે શોકેસમાં છબી જોઇને આ લાઇન પ્રત્યે આકર્ષણ જાગ્યું. તે જમાનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાનો હતો એટલે અંધારા ડાર્કરૂમમાં ફોટા ધોવાના થતા, સૂકવવાના હોય, કટિંગ કરવાનું હોય તે કામ પણ અમારા ગુરુ દિનેશભાઇએ શીખવ્યું. બાદમાં સ્ટુડિયોમાં જ લેશન કરતા, વાંચતા તો પરીક્ષામાં રાત્રે ત્યાં જ પડયા-પાથર્યા રહેતા હતા. સ. ઘરનાઓને ખ્યાલ હતો ? જ. હા, ખ્યાલ હતો પણ?આ બધું ભણવા સાથે ચાલુ હતું. વધુમાં નાના નાના કાર્યક્રમોમાં આઉટડોરમાં ફોટો પાડવા પણ જવાનું થતું અને ખિસ્સાખર્ચી મળતી થઇ ગઇ. આમ, લગભગ આઠ-દશ વર્ષ ટ્રેનિંગ લીધી. દરમ્યાન, દરબારગઢ રોડ પર એલ. એમ. પોમલના એલ. એમ. સ્ટુડિયોમાં હેલ્પરની જરૂર પડી અને ઓફર આવી એટલે હું ત્યાં જોડાયો. ત્યાં પાંચથી સાત વર્ષ કામ કર્યું. આ બંને સ્ટુડિયોમાં ફોટોગ્રાફીનું મહત્તમ જ્ઞાન મળ્યું. વળી, એલ. એમ. સ્ટુડિયોમાં વધુ રકમ મળવા લાગી એટલે પગ વધુ સ્થિર થયા. સ. પ્રેસ ફોટોગ્રાફીમાં કઇ રીતે વળ્યા ? જ. આ માટે દિગ્ગજ પત્રકાર સ્વ. મહેશભાઇ ગઢવી નિમિત્ત બન્યા. કારણ કે તેમનો મારા પિતાજીથી ઘરોબો હતો. વળી અમે એલ.એમ.માંથી મુક્ત થઇને વાણિયાવાડ સ્કૂલ પાસેનો જ્યોતિ સ્ટુડિયો મેં અને રમેશે ચલાવવા લીધો. ત્યાં જ મહેશભાઇનું ડાયલ પ્રિન્ટરી પ્રેસ હતું. તેમણે તેમણે એ સમયે કીર્તિભાઇનું ધ્યાન દોર્યું કે આ છોકરો ફોટા પાડી શકે તેમ છે. તે વખતે `કચ્છમિત્ર'માં અદ્યતન ઓફસેટ મશીન આવી ગયું હતું અને આમ ફ્રીલાન્સર અને આમ એકમાત્ર?કચ્છમિત્ર માટે ફોટોગ્રાફી કરવાનું સૌભાગ્ય સાંપડયું. સ. કચ્છમિત્રમાં પહેલો ફોટો કયો પ્રસિદ્ધ થયો ? જ. થોડું વિચારતાં શ્રી આચાર્યે ફ્લેશબેકમાં સરતાં કહ્યું કે, ભૂલતો ન હોઉં તો કોઇ કારણોસર માંડવીમાં કર્ફ્યુ થયો અને મને માંડવી મોકલવામાં આવ્યો. ત્યાંની પરિસ્થિતિ દર્શાવતી તસવીરો બીજા દિવસે `કચ્છમિત્ર'માં પ્રસિદ્ધ થતાં મારો ઉત્સાહ વધી ગયો. ત્યારથી કચ્છમિત્ર સાથે જોડાયેલો નાતો આજ દિ' લગી અતૂટ છે. આજે પણ મારો ઘરોબો એવો છે કે મેં મોકલેલો ફોટો બાયલાઇન સાથે પ્રસિદ્ધ થાય છે, જેની ખુશી છે. સ. પ્રેસ ફોટોગ્રાફીમાં કેવો અનુભવ રહ્યો? જ. પ્રેસ ફોટોગ્રાફી એવી અનોખી બાબત છે કે અમે ધંધાકીય દૃષ્ટિએ લગ્ન, વાસ્તુ, દુલ્હનની મહેંદી, વિવિધ કાર્યક્રમની દીપ પ્રાગટયની તસવીરો લેતા હોઇએ તો બીજી તરફ ખબર આવે કે ફલાણી જગ્યાએ અકસ્માત થયો છે, ચારનાં મોત થયાં છે. તુરંત જ ઘટનાસ્થળે મૃતદેહો તેમજ સાથે સ્વજનોની રોકક્કળનાં ફોટા લેવાના થાય અને ગમગીન થઇ જવાય. પરંતુ કામ છે તે કરવું પડે. 1985થી કચ્છમિત્ર સાથે જોડાયો. તે વખતે ત્રણ વર્ષનો કારમો દુકાળ પડયો અને ગુજરાતના નાના રાજકારણીથી માંડી અને વડાપ્રધાન સહિતના મોટા માથાંઓ કચ્છ આવતાં તેની સાથે ફોટા પાડવાનું સાંનિધ્ય સાંપડયું. કંડલાનું વાવાઝોડું, કલ્યાણજી-આણંદજી નાઇટ, કિશોરકુમારના લાઇવ ફોટોઝ, રવિ ટોકિઝમાં લક્ષ્મીકાંત પ્યારેલાલ નાઇટમાં મારો કેમેરા તમામ પ્રસંગોનો સાક્ષી બન્યો. હા, જાંબાઝ એસ.પી. કુલદીપ શર્મા વખતે દાણચોરીના ઓન ધ?સ્પોટ ફોટા પાડવાનું સૌભાગ્ય સાંપડયું. વિશેષમાં સીમા પર જવાનોને મળીને વિવિધ પ્રસંગોની તસવીર ઝીલવાનો મોકો મળ્યો. આ સાથે વીરેન્દ્રભાઇ સગર્વ કહે છે કે, કચ્છમાં હું જ એક એવો ફોટોગ્રાફર છું કે જેને સૌથી વધુ વખત હેલિકોપ્ટરમાં પ્રવાસ ખેડીને એરિયલ વ્યૂ લેવાનો મોકો મળ્યો હોય. લગભગ પાંચથી છ વખત રાજનેતાઓ, કલેક્ટર સહિતનાઓ સાથે હેલિકોપ્ટરમાં પ્રવાસ ખેડવાનો મોકો મળ્યો છે. સ. યાદગાર પ્રસંગો કહેશો ? જ. આમ તો ઘણાં છે પરંતુ લગભગ 1990માં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધી ભુજ આવ્યા હતા ત્યારે રાત્રે કોંગ્રેસે ઉમેદભવનમાં ડિનર રાખ્યું હતું. હું સવારથી પૂર્વ ધારાસભ્ય જયકુમાર સંઘવીની સૂચના મુજબ સવારે સભાના ફોટા અને રાત્રે મિલન તથા ડિનરના ફોટા લેવા પહોંચી ગયો. રાત્રે કોંગ્રેસના કચ્છભરના નેતાઓ અંગત રાજીવજીને મળતા ગયા અને આમ રાત્રિના 12 વાગ્યે હું ફોટો લેતો હતો ત્યારે રાત્રે હોલમાં માત્ર ત્રણ જ જણ હતા. મારા સામે રાજીવજી આવીને ઊભા રહ્યા. અને સસ્મિત પૂછ્યું કે આપ તો સુબહ સે સાથ મેં હો, ખાના ખાયા ક્યા ? મેં કહ્યું, નહીં. હવે તો રાજીવજી જાતે પ્લેટમાં પીરસવા લાગ્યા. મને એમ કે પોતાની પ્લેટ ભરે છે પણ આશ્ચર્ય વચ્ચે મને થાળી આપી અને કહ્યું, ફોટોસેશન તો હોતા રહેગા, પહલે ખાના ખાલો. બાદમાં પોતે પણ સાથે જમ્યા. હું તેમની છટાથી ચકિત થઇ ગયો હતો. વડાપ્રધાન કક્ષાની વ્યક્તિ મારા જેવા ફોટોગ્રાફરની પણ ખ્યાલ રાખે છે. અને બીજો પ્રસંગ તાજેતરનો છે. તારાચંદભાઇ છેડાને ત્યાં પૂ. મોરારિ બાપુ આવ્યા હતા. આમ તો પાલારા જેલના કાર્યક્રમમાં આવ્યા હતા. મને તારાચંદભાઇએ ફોટા પાડવાનું કહ્યું હતું અને હું ફોટા લેતો હતો તે સાથે જ પૂ. બાપુએ મને બોલાવ્યો કે તમે તો કચ્છની તમામ કથાના મારા ફોટા લીધા છે. મને નજીક બોલાવીને મારી સાથે ફોટો પડાવીને મને માન આપ્યું તે ઘટના પણ યાદગાર છે. સ. ફોટોગ્રાફીથી સંતુષ્ટ છો ? જ. મને અખબારી અને ફોટોગ્રાફી લાઇને જે ઓળખ અપાવી છે તે અમૂલ્ય છે. મેં અત્યાર સુધી કચ્છના રાજકીય નેતા તારાચંદભાઇ છેડા, શંકરભાઇ સચદે, સુરેશભાઇ મહેતા, શિવજીભાઇ આહીર, માણેકલાલભાઇ શાહ, બિદડા સર્વોદય ટ્રસ્ટના સ્વ. બચુભાઇ રાંભિયા, ચેરમેન વિજયભાઇ છેડા, પુષ્પદાન ગઢવી, ભુજ તા.પં. પૂર્વ પ્રમુખ હકુમતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા સાથે વરસો જૂનો સંબંધ થઇ ગયો છે. લોકોના ફેમિલી ડોક્ટર હોય તેમ હું તેમનો ફેમિલી ફોટોગ્રાફર બે-ત્રણ પેઢીથી છું. તારાચંદ છેડાએ મને સર્વ સેવા સંઘ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાનો ટ્રસ્ટી બનાવ્યો છે તે ગૌરવ છે. મારા જીવનમાં અનેક મુખ્યમંત્રી, વડાપ્રધાનોના ફોટા પાડયા છે, તો અનેક હીરો-હીરોઇન તેમજ કલાકારોની તસવીરો ખેંચવાનો મોકો મળ્યો છે. આ ઉપરાંત `િચત્રલેખા' માટે હિરેનભાઇ મહેતા, દીપકભાઇ સોલિયા અને ટોચના પત્રકાર શીલાબેન ભટ્ટ પણ કચ્છ પ્રવાસ વખતે મને સાથે રાખે છે. 1985ના દુકાળ વખતે ઢોરવાડા શરૂ થતાં દાનવીર દામજીભાઇ એન્કરવાલા સાથે રહી ફોટોગ્રાફીની તક મળી તો બીજી તરફ કોંગ્રેસના વાડીલાલ કામદાર, અહેમદ પટેલ સાથે પણ સાંનિધ્ય સાંપડયું. સ. યાદગાર ફોટોગ્રાફ? જ. હા, '85-'86ના દુકાળ વખતે મેં બન્નીમાં એક તસવીર લીધી હતી જેમાં ગાયના હાડપિંજરમાં બેઠેલું કૂતરું જોવા મળે છે. આ તસવીર પ્રસિદ્ધ થતાં રાજ્યભરમાં તરખાટ મચી ગયો અને બાદમાં પરિસ્થિતિનો તાગ મેળવવા રાજકારણીઓના ધાડાં ઊતરી પડયા. એટલું જ નહીં બાદમાં તે વખતના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી કચ્છ આવ્યા ત્યારે મને મળીને આ તસવીર બદલ અભિનંદન આપ્યા કે તમે ધ્યાન દોર્યું તો સરકાર પગલાં લેવા પહોંચી શકી. સ. ફોટોગ્રાફી સિવાય અન્ય કયા શોખ છે ? જ. હું સંગીતનો શોખ?ધરાવું છું. આજે પણ રાત્રે સૂતા પૂર્વે બેગમ અખ્તરને અચૂક સાંભળું છું. તો મદનમોહન અને સલીલ ચૌધરી પ્રિય સંગીતકાર છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer