ભચાઉના જૂની ચીરઈમાં પગપાળા જનાર બાળકનું કારની હડફેટે મોત

ગાંધીધામ, તા. 17 : ભચાઉ તાલુકાના જૂની ચીરઈ ટ્રાન્સપોર્ટ નગર રોડ ઉપર કારની હડફેટે ચડતાં પાર્થ ઉર્ફે પપ્પુ વિષ્ણુ ગાડલિયા નામના સાડા ચાર વર્ષનાં બાળકનું મોત થયું હતું. બીજી બાજુ ગાંધીધામના કાર્ગોની સામે અંબિકા કાંટા નજીક માર્ગ ઓળંગવા જતાં ગોરધનસિંઘ ખુશાલસિંઘ સોઢા (ઉ.વ.30) અજાણ્યા વાહનની હડફેટે ચડતાં તેનું મોત થયું હતું. જૂની ચીરઈના ટ્રાન્સપોર્ટ નગરમાં રોડ ઉપર ગત તા. 15/2ના બપોરે 12.30ના અરસામાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. સાડા ચાર વર્ષનું બાળક પાર્થ દુકાને વસ્તુ લેવા પગપાળા જઈ રહ્યો હતો. દરમ્યાન કાર નંબર જીજે12 - ડીએસ- 9115ના ચાલકે બાળકને હડફેટમાં લેતાં બાળકને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. આ બાળકને સારવાર અર્થે ખસેડાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માતમાં કારચાલક વિરુદ્ધ વર્ધાજી રાવતાજી ગાડલિયા (લુહાર)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ ગાંધીધામના કાર્ગો, અંબિકા કાંટાની સામેના માર્ગ ઉપર અકસ્માત સર્જાયો હતો. યાદવનગરમાં રહેનાર ગોરધનસિંઘ ગઈકાલે રાત્રે માર્ગ ઓળંગી રહ્યો હતો. દરમ્યાન પૂરપાટ આવતા કોઈ અજાણ્યા વાહને તેને હડફેટમાં લેતાં તેનું બનાવ સ્થળે જ મોત થયું હતું. હીટ એન્ડ રનના આ બનાવમાં જવાહરસિંહ વિજયસિંહ સોઢાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer