માધાપરમાં રાત વચ્ચે તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી 87 હજારની મત્તા તફડાવી

ગાંધીધામ, તા 17 : ભુજ તાલુકાના માધાપર ગામમાં તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી દાગીના સહિત રૂા.87 હજારની મત્તાની હાથ સફાઈ કરી હોવાનો બનાવ બહાર આવતા ચકચાર પ્રસરી છે. બીજી બાજુ નલિયામાં પણ તસ્કરોએ રાત વચ્ચે દુકાનને નિશાન બનાવી અડધા લાખની રોકડ રકમની તસ્કરી કરી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગંગેશ્વર રોડ ખાતે આવેલી સર્જનકાસા સોસાયટીના મકાન નંબર 11માં બન્યો હતો. ગત તા. 16ના રાત્રીના 8 વાગ્યાથી આજે સાંજે 5.30 વાગ્યાના અરસામાં કોઈ પણ સમયે તસ્કરીના આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. ચોર હરામખોરોએ તાળાં તોડી અંદર પ્રવેશી કબાટમાં રાખેલા ત્રણ તોલા વજનના સોનાના દાગીના, ચાંદીના 50 ગ્રામ દાગીના, રૂા. 1 હજાર રોકડા અને બે અને પાંચ રૂપિયાના સિક્કા સહિત રૂા.87,600ની મત્તા તફડાવી ગયા હતા. ખાનગી કંપનીમાં નોકરી કરતા ફરિયાદી પરબતસિંહ સતુભા જાડેજા પરિવાર સાથે મિત્રના લગ્નમાં અંજાર ગયા હતા. આ અરસામાં તસ્કરો કળા કરી ગયા હતા. ફરિયાદી અંજારથી પરત આવ્યા ત્યારે ઘરનો મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું અને ચોરીનો બનાવ બહાર આવ્યો હતો. બનાવના પગલે ભુજ બી. ડિવિઝન પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ અબડાસા તાલુકનાના નલિયા ગામમાં લુહાર શેરીમાં આવેલા ઝુલેલાલ સ્ટોરમાં ગત રાત્રીના 9.30થી સવારે 9 વાગ્યાના અરસામાં તસ્કરો ત્રાટકયા હતા. ચાર દાયકા જૂની અનાજ રસકસની દુકાનમાં જમણી બાજુ આવેલા દરવાજાને તોડી ગેરકાયદે પ્રવેશ્યા હતા. સ્ટીલના ડબ્બામાં બચતના રાખેલા રોકડા રૂા.50 હજાર તફડાવી ગયા હતા. ફરિયાદી જગદીશ મુલચંદ ઠક્કરના પિતા સવારે દુકાને આવતાં ડબ્બાનું ઢાંકણું તૂટેલું જણાયું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer