19મીએ જિલ્લામાં સોઈલ હેલ્થ કાર્ડ દિવસ ઉજવાશે : દસ મોડેલ ગામ પસંદ

ભુજ, તા. 17 : સમગ્ર રાજ્યની સાથે બુધવાર તારીખ 19ના કચ્છમાં પણ સોઈલ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવશે. જિલ્લાના દસેય તાલુકાઓમાં તારવાયેલા એક એક ગામમાં આ દિવસે તાલીમ સહમાર્ગદર્શન શિબિર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય કક્ષાએ સોઈલ હેલ્થ કાર્ડ ડેની ઉજવણી શરૂ થયા બાદ કચ્છમાં પણ વિતેલા વર્ષ દરમિયાન 4000 જેટલા ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ અપાયા છે તેવી માહિતી ખેતીવાડી વિભાગના શ્રી સવર્ણકારે આપી હતી. જિલ્લાના દસ ગામોને મોડેલ વિલેજ તરીકે પસંદ કરાયા છે તેમાં નારાણપર (રાવરી), પીપરી, કાંડાગરા, વિરાણી મોટી, લઠેડી, નરા, પશુડા, કિડાણા, જડસા અને પદમપરનો સમાવેશ થાય છે. 50 જેટલા ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ કિટ પણ આપવામાં આવી છે. બુધવારે સોઈલ હેલ્થ ડેની ઉજવણી અંતર્ગત મોડેલ વિલેજ તરીકે તારવાયેલા માર્ગદર્શક શિબિર યોજી ખેડૂતોને સોઈલ હેલ્થની કિટ અપાયા બાદ તેમને કેવા પ્રકારનો ફાયદો થયો તેનું જાત નિદર્શન કરાવાશે. સાથોસાથ તજજ્ઞો મારફત ખેડૂતોની જમીનના નમૂના લેવાયા બાદ કેવા કેવા પ્રકારની તકેદારી લેવાની થાય તેનું માર્ગદર્શન આપવામાં આવશે. તેવું પણ સત્તાવાર રીતે અપાયેલી માહિતીમાં જણાવાયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer