પચ્છમનો નામચીન ઇસમ ત્રાસવાદ વિરોધી દળની પૂછપરછ તળે લેવાયો ?

ભુજ, તા. 17 : કચ્છની દરિયાઇ સીમામાં કેફી દ્રવ્યોની હેરાફેરી પર સફળ ધોંસ બોલાવનાર રાજ્ય પોલીસની ત્રાસવાદ વિરોધી પાંખે હવે તાલુકાના ચર્ચાસ્પદ રહેલા પચ્છમ વિસ્તારના એક નામચીન ઇસમને પૂછપરછ માટે અટકાયતમાં લીધાના અહેવાલોએ ભારે તર્કવિતર્ક જગાવ્યા છે. સંબંધીત વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ પચ્છમ વિસ્તારના આ ઇસમને અચાનક કોઇ ઉઠાવી ગયાના અહેવાલો બાદ તેનો પત્તો મેળવવા આગેવાનો સક્રિય થયા હતા. છેક જિલ્લા પોલીસ સુધી મામલો પહોંચ્યા બાદ આ ઇસમની એટીએસ દ્વારા પૂછપરછ કરાઇ રહી હોવાના બિનસત્તાવાર અહેવાલ મળ્યા હતા. બેથી ત્રણ દિવસ પહેલાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં જે ઇસમ કેન્દ્ર સ્થાને છે તે અગાઉ 1998માં લખપત તાલુકામાં શસ્ત્રના કેસ સાથે સંડોવાયેલો હોવાનું પણ વર્તુળો ચર્ચી રહ્યા છે. આમ બે દાયકા કરતા વધુ સમય બાદ અચાનક આ શખ્સને ત્રાસવાદ વિરોધી પોલીસની પૂછપરછ તળે લેવાયાના અહેવાલોએ કાંઇ નવાજૂની થઇ રહી હોવાની શક્યતા વ્યક્ત કરી છે. હાલે જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત માટે આખા રાજ્યનું પોલીસ તંત્ર ખડે પગે છે તેમાં એટીએસ પણ બાકાત નથી. તેવામાં આવતા સપ્તાહે ટ્રમ્પની મુલાકાત બાદ આ પ્રકરણમાં કોઇ નક્કર હકીકત સામે આવી શકશે એમ મનાઇ રહ્યંy છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer