જૂના કટારિયામાં કોમન પ્લોટમાં બાંધકામ મુદ્દે બે પરિવાર બાખડયા

ગાંધીધામ, તા. 17 : ભચાઉ તાલુકાના જૂના કટારિયા ગામમાં કોમન પ્લોટના બાંધકામ મુદ્દે બે પરિવારો વચ્ચે મારામારીનો બનાવ બનતાં બંને પક્ષના લોકોને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. જૂના કટારિયા ગામમાં રહેતા હિંગોળદાન બચુદાન ગઢવીએ જિગરદાન મહેશદાન ગઢવી, હેમુદાન ભૂપતદાન ગઢવી, રવિદાન મહેશદાન ગઢવી અને ભૂપતદાન રતનદાન ગઢવી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મોમાઈ માતાજીના મંદિર પાછળ આવેલ કોમન પ્લોટના બાંધકામ મુદ્દે આ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને કારમાં બાબુ મલા પટેલના મકાન નજીક આવી આ આધેડ ઉપર પાવડાના હાથા, લોખંડના પાઈપ વડે હુમલો કરતાં તેને કમરના ભાગે અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. બીજીબાજુ સામા પક્ષે ભૂપતદાન રતનદાન ગઢવીએ હિંગોળદાન બચુદાન ગઢવી, હંસાબેન હિંગોળદાન, અરવિંદદાન હિંગોળદાન, તેજુદાન હિંગોળદાન, જશકરણ દેવીદાન ગઢવી, સુરેશદાન ગઢવી, ભરતદાન દેવીદાન ગઢવી, જિશન દેવીદાન ગવી તથા ભરતદાનના બીજા દીકરા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ કરી હતી. પ્લોટમાં બાંધકામ મુદ્દે ઉશ્કેરાયેલા આ શખ્સોએ બંધ રેલવે ફાટક પાસે આવી લાકડી, ધોકા, લોખંડના ધારિયા વડે હુમલો કરતાં ફરિયાદી તથા અન્યને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. ગઈકાલે રાત્રે બનેલા આ બનાવ અંગે પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer