બાળકોને એટલા ન દોડાવો કે હાંફીને થાકી જાય

બાળકોને એટલા ન દોડાવો કે હાંફીને થાકી જાય
ભુજ, તા. 10 : બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારના માનસિક તણાવ વિના કસોટી આપવાથી અને આયોજનબદ્ધ જવાબો લખવાથી 10થી 15 ટકા ગુણ વધુ આવવાની વાત તર્કબદ્ધ રીતે સમજાવતાં મોટીવેશનલ સ્પીકર ડો. ભાણજી સોમૈયાએ અહીં રોટરી દ્વારા યોજાયેલા સેમિનારમાં શીખ આપી હતી. ધોરણ 10 અને 12માના વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષા સમયગાળા દરમ્યાન વર્તવાના મુદ્દાઓ પ્રત્યે ધ્યાન ખેંચતા ડો. સોમૈયાએ તાણ રાખવા કરતાં હસતાં- હસતાં કસોટી આપવાની વાત કરતાં વર્ષ દરમ્યાન કરેલી તૈયારીઓને આખરી તબક્કામાં ઓપ કેમ આપવો તે વિશે સરળ અને ટેકનિક શીખવાડી હતી. બોર્ડની પરીક્ષા આપતો વિદ્યાર્થી કંઈ ડરબી રેસનો ઘોડો નથી એવું સમજાવતાં ડો. સોમૈયાએ ઉપસ્થિત વાલીઓ અને શિક્ષકોને જણાવ્યું હતું કે, બાળકોને એટલા બધા ન હંફાવો કે તે જીવનદોડથી ડરી જાય- હાંફી જાય. વિશેષમાં તેમણે પ્રત્યેક વિદ્યાર્થીને સ્વવ્યવસ્થાપન કરવા પર ભાર મુકાશે તો સમય વ્યવસ્થાપન અને અગ્રતા વ્યવસ્થાપન આપોઆપ કેળવાતા જશે તેવું તેમણે પોતાના વક્તવ્યમાં ઉમેર્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી. એન. પ્રજાપતિએ રોટરી કલબના આયોજનને બિરદાવતાં જિલ્લાના પરિણામની આંકડાકીય માહિતી આપી, વિદ્યાર્થીઓને માનસિક બદલાવ દ્વારા રિઝલ્ટમાં બદલાવ લાવી, કચ્છ જિલ્લાનું નામ રોશન કરવા અપીલ કરી હતી. નગરપાલિકાના અધ્યક્ષા લતાબેન સોલંકીએ એજ્યુકેશન ક્ષેત્રે તમામ સહકાર આપવાની ખાતરી ઉચ્ચારી હતી. સાંસ્કૃતિક કમિટીના ચેરમેન ગોદાવરીબેન ઠક્કરે નગરપાલિકા માત્ર ગટર, પાણીની સેવા સિવાય પણ શિક્ષણ સહિતના તમામ ક્ષેત્રે સેવા કરવાની વાત કરી હતી. રોજગાર અધિકારી શ્રી પાલાએ ઉપલબ્ધ રોજગારીની તકો વિશે માહિતી આપી હતી. પ્રાંરભમાં સૌને આવકારતાં રોટરી પ્રમુખ નીતિન સંઘવીએ આ માર્ગદર્શન સેમિનારમાં જોડાયેલા ભુજની સોળ જેટલી શાળાઓના બે હજાર વિદ્યાર્થીઓને અહીંથી મળતું ભાથું લાભદાયી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં જીવનમાં અગ્રેસર થવા મેરેથોન દોડના ખેલાડી જેવી માનસિકતા કેળવવા અપીલ કરી હતી જ્યારે પ્રોજેકટ ચેરમેન પ્રફુલ્લ ઠક્કરે આવા કાર્યક્રમોની અગત્યતા સમજાવી રોટરીના અન્ય પ્રજાલક્ષી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. કાર્યક્રમમાં સહયોગી રહેલા દાતા પરિવાર વિમલ મહેતા પરિવારનું સન્માન દિલીપ ઠક્કર, દીપક શાહનું સન્માન અશરફ મેમણ, હરદેવાસિંહ જાડેજાનું સન્માન રાજન મોરબીયા, જિલ્લા શિક્ષણ તંત્રના બિપિન વકીલનું સન્માન પરાગ ઠક્કરે કર્યું હતું. કાર્યક્રમમાં પ્રશ્નોત્તરીમાં વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો જોડાયા હતા. આભારવિધિ રોટરી મંત્રી અભિજિત ધોળકિયા અને સંચાલન ઉપપ્રમુખ ડો. ઊર્મિલ હાથીએ કર્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer