કચ્છમાં પરમાણુ ઊર્જા અને નદીઓને જોડવા સંદર્ભે જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરાશે

કચ્છમાં પરમાણુ ઊર્જા અને નદીઓને જોડવા સંદર્ભે જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરાશે
ગાંધીધામ, તા. 17 : કોલસાનું પ્રમાણ દિનપ્રતિદિન ઘટતું જાય છે. જળ અને સૌર ઊર્જાથી વધુ માત્રામાં ઊર્જા ઉત્પન્ન થઈ શકે તેમ નથી, ત્યારે પરમાણુ ઊર્જાથી પૂરતા પ્રમાણમાં વીજળી ઉત્પન્ન થઈ શકે, પરંતુ કેટલાંક અસામાજિક તત્ત્વોના કહેવામાં આવી જઈ પરમાણુ ઊર્જા એકમના પ્લાન્ટ કાર્યરત કરવાની યોજના ખોરંભે ચડી છે. ત્યારે આ બાબતે લોકોમાં જનજાગૃતિ છેડવા માટે પરમાણુ સખી તરીકે ઓળખાતાં મહિલા દ્વારા ગાંધીધામમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. ગાંધીધામ ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં જયપુર વુમન્સ યુનિવર્સિટીના ભૂતપૂર્વ અધ્યાપક અને પરમાણુ ઊર્જા વિષય ઉપર પીએચ.ડી.ની ઉપાધિ મેળવનારાં ડો. નીલમ ગોયલે જણાવ્યું હતું કે, તેઓ પરમાણુ ઊર્જા અને ગુજરાત- રાજસ્થાનની નદીઓને જોડવાની યોજના ઉપર કાર્ય કરી રહ્યાં છે. અમેરિકાએ જાપાન ઉપર પરમાણુ બોમ્બ વડે હુમલો કર્યા બાદ લોકોમાં પરમાણુ ઊર્જા પ્રત્યે પણ એવી જ ગેરસમજ ફેલાયેલી છે. લોકોને પરમાણુ બોમ્બ અંગે ખ્યાલ છે. પરંતુ પરમાણુ ઊર્જા અંગે ખ્યાલ નથી. આજે કોલસો ખતમ થતો જાય છે. લોકોમાં સાચી માહિતીના અભાવે ભારતમાં પરમાણુ ઊર્જા એકમોનો વિરોધ કરાઈ રહ્યો છે. આજે ભારતમાં 6300 મેગાવોટ વીજ ઉત્પાદનના પ્રોજેક્ટો વિરોધના કારણે અટવાયા છે. આજે પરમાણુ ઊર્જાથી સસ્તા પ્રમાણમાં અને વ્યક્તિદીઠ પૂરતા પ્રમાણમાં વીજળી પ્રાપ્ત થઈ શકશે. આ ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતની યમુના- સાબરમતી નદીના જોડાણની યોજના અત્યાર સુધી માત્ર કાગળ ઉપર જ છે. જવાઈ લુંણી રણ જળમાર્ગ યોજના માટે કરોડોની રકમ ફાળવવામાં આવી છે. પરંતુ વિરોધના કારણે અટવાઈ પડી છે. આ જળ યોજનામાં પૂરના પાણી રણ વિસ્તારમાં વાળવાનાં છે અને આ યોજના થકી કચ્છના અનેક તાલુકાઓને સારો ફાયદો થઈ શકે તેમ છે. કચ્છમાં જમીનમાં પાણીનું સ્તર 800 ફૂટ નીચે ઉતરી ગયું છે અને બે હજાર ટીડીએસવાળું પાણી છે. જો પરમાણુ ઊર્જા એકમ અને નદી જોડાણની યોજના અમલી બની જાય તો ખેતીને વીજળી અને પાણી બન્ને પૂરતા પ્રમાણમાં મળી શકે અને તેના કારણે ખેડૂતની વાર્ષિક આવક પણ અનેકગણી વધશે. આ બન્ને યોજનાઓ બાબતે લોકોમાં જનજાગૃતિ લાવવા ગાંધીધામમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ડો. ગોયલે જણાવ્યું હતું કે, તાજેતરમાં મુસ્લિમ સમાજ અને શીખ સમાજ સાથે આ બાબતે બેઠક યોજી હતી. આગામી સમયમાં મારવાડી યુવા મંચ અને અન્ય સંસ્થાના સહયોગથી જનજાગૃતિના કાર્યક્રમો અને શાળાઓમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં સેમિનાર યોજવાનું આયોજન હોવાની માહિતી તેમણે આપી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer