એમ.એસ.એમ.ઈ.નો વિકાસ સ્થળાંતર રોકે છે

એમ.એસ.એમ.ઈ.નો વિકાસ સ્થળાંતર રોકે છે
ગાંધીધામ, તા. 17 : અહીંની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજના સંયુકત ઉપક્રમે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અંતગર્ત એમ.એસ.એમ.ઈ. એકમો માટે ઔદ્યોગિક સેમિનાર યોજાયો હતો. જેમાં વેપારક્ષેઁત્રે આગળ વધવા માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમના પ્રારંભમાં મંત્રી આશિષ જોષીએ સેમિનારનો ઉદેશ ઉપર પ્રકાશ પાડયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અંજાર પ્રાંત અધિકારી ડો. વી.કે. જોષી, ડી.આઈ.સી.ના જનરલ મેનેજર કનક ડેર, બેંક ઓફ બરોડાના લીડ મેનેજર એસ. કે. સિન્હા, એન.એસ.ઈ.ના જયકુમાર શાહનું સન્માન કરાયું હતું. ચેમ્બરના ઉપપ્રમુખ તેજાભાઈ કાનગડ, કુમાર રામચંદાણી, ખજાનચી દર્શન ઈસરાની સહિતના અગ્રણીઓ અતિથિઓને સન્માનવા માટે હાજર રહયા હતા. ચેમ્બર પ્રમુખ અશોક જૈને સ્વાગત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, ગાંધીધામ ચેમ્બર ધંધાર્થીઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણ અર્થે સગવડકર્તાની ભૂમિકા અદા કરે છે. એમ.એસ.એમ.ઈ. કોઈપણ ધંધાની શરૂઆત છે અને દેશની આર્થિક વ્યવસ્થામાં તેનો મહત્ત્વનો ફાળો હોય છે. રોજગારી અને નવોત્થાન માટે એમ.એસ.એમ.ઈ. અગત્યનો ભાગ ભજવે છે. અંજાર નાયબ કલેકટર શ્રી જોષીએ ગુજરાત સરકારની ઓનલાઈન ફેસ-લેસ વ્યવસ્થા અંતગર્ત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસની જાણકારી આપી હતી. ધંધાર્થીઓ માટે જમીન ફાળવણી, વિવિધ લાયસન્સ, પરવાનગી માટે સરકારે શરૂ કરેલાં ઓનલાઈન પ્લેટફોર્મ વિશે પણ તેઓએ વિગતો આપી હતી. ડી.આઈ.સી.ના જનરલ મેનેજર શ્રી ડેરે કહ્યું હતું કે, એમ. એસ.એમ.ઈ. ક્ષેત્રનો જી.ડી.પી.માં 31 ટકા તથા રોજગારી ઊભી કરવામાં મહત્ત્વનો ફાળો છે. દેશમાં એમ.એસ.એમ.ઈ.ના વિકાસના કારણે જ સ્થળાંતરની સમસ્યા કાબૂમાં આવી છે. તેમ છતાં આ એમ.એસ.એમ.ઈ. ક્ષેત્રને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહયો છે. આથી સરકારે સરળ ડિજિટલ પદ્ધતિ અપનાવી ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસની શરૂઆત કરી છે. ત્રણ વર્ષની છુટછાટ અંતગર્ત પરવાનગી વગર એમ.એસ.એમ.ઈ. શરૂ કરી શકાય છે. વધુમાં તેઓએ ઈન્વેસ્ટર્સ ફેસિલિટેશન પોર્ટલ અને એમ.એસ.એમ.ઈ. વટહુકમ 2019, વિલંબિત ચૂકવણી કાઉન્સિલની રચના તે અંતગર્ત મળતા અધિકારો હેઠળ ધંધાકીય ચૂકવણી સમયસર ન થાય તો સમાધાન કરવાની યોજના સહિતના મુદે પ્રકાશ પાડયો હતો. બેંક ઓફ બરોડાના મેનેજર એસ.કે. સિન્હાએ સરકાર સાથે થયેલા એમ.ઓ.યુ. હેઠળ એમ.એસ.એમ.ઈ. એકમોને નાણાંકીય સહાયતા આપવાની 37 જેટલી વિવિધ યોજના, આ યોજનાનો લાભ મેળવવા અર્થે ગાંધીધામ બેંક ઓફ બરોડામાં ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે તેવું તેમણે ઉમેર્યું હતું. એન.એસ.ઈ. એમરેજ પ્લેટફોર્મનો ઉપયોગ કરી આઈ.પી.ઓ. દ્વારા વ્યાજ વગરની મૂડી નિર્માણ કરી શકે છે. ગુજરાત સરકાર આઈ.પી.ઓ. દ્વારા મૂડી ઊભી કરવા પાંચ લાખની સહાય આપે છે તેવી ઉપયોગી માહિતી એન.એસ.ઈ.ના જયકુમાર શાહે આપી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer