ભુજમાં યુવતીના મોત સંદર્ભે રાષ્ટ્રીય મહિલા આયોગ સમક્ષ કરાઇ રજૂઆત

ભુજમાં યુવતીના મોત સંદર્ભે રાષ્ટ્રીય  મહિલા આયોગ સમક્ષ કરાઇ રજૂઆત
ગાંધીધામ, તા. 17 : ભુજના છાત્રાલયમાં રહેનારા ઊર્મિબેન સીજુનાં મોત પ્રકરણે મહિલા આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી હતી અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાજુલબેન દેસાઇએ આ અંગે આઇ.જી.ને રજૂઆત કરી હતી. આ બનાવ સંદર્ભે આવતીકાલે રેલી સ્વરૂપે જિલ્લા સમાહર્તા અને પોલીસવડાને આવેદનપત્ર આપી  યોગ્ય કરવા માંગ કરવામાં આવશે. ભુજના આંબેડકર કન્યા છાત્રાલયમાં ભુજોડીના ઊર્મિબેન સીજુનો ગત તા. 11/2ના લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. આ કિશોરીની હત્યા નીપજાવી તેને લટકાવી દેવામાં આવી હોવાના આક્ષેપ સાથે મહિલા આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજુલબેનને પ્રદેશ અધ્યક્ષ વનિતાબેનની આગેવાની હેઠળ રજૂઆત કરવામાં આવી હતી. પોલીસ આ પ્રકરણમાં આંખ આડા કાન કરી આરોપીઓને બચાવતી હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. આ બનાવને ગંભીરતાથી લઇ આરોપીઓને પકડી પાડવા પણ માંગ કરવામાં આવી હતી. બાદમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. રાજુલબેન દેસાઇએ આ અંગે આઇ.જી. સુભાષ ત્રિવેદીને પણ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું હતું. દરમ્યાન આ કિશોરીને ન્યાય અપાવવા અનુ. જાતિ સમાજ દ્વારા ભુજની બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ત્યાં આવેદનપત્ર પાઠવવામાં આવશે. બાદમાં પોલીસવડાની કચેરીએ પહોંચી ત્યાં પણ આવેદનપત્ર પાઠવવામાં આવશે. જ્યાં આ પ્રકરણમાં જવાબદારો સામે ફરિયાદ નોંધવા, બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો છે કે કોઇના દબાણમાં આવીને કિશોરીએ અંતિમ પગલું ભર્યું છે તેમજ તેની તપાસ માટે આઇ.જી. સુભાષ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સીટની ટીમની રચના કરી આગળની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવશે, તેવું જાણવા મળ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer