ભુજના વિદ્યાલયમાં બાલોત્સવ હેઠળ ભૂલકાઓ દ્વારા કળાના કામણ પાથરાયાં

ભુજના વિદ્યાલયમાં બાલોત્સવ હેઠળ   ભૂલકાઓ દ્વારા કળાના કામણ પાથરાયાં
ભુજ, તા. 15 : જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત માતૃછાયા ઢીંગલીઘર-બાલઘર દ્વારા બાલોત્સવ-2020નો બે દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. શાળાના ભૂલકાઓમાં મૌખિક અભિવ્યક્તિ દ્વારા આત્મવિશ્વાસ કેળવાય, બાળકોમાં સંપ, સહકાર, નીડરતા અને ખેલદિલી જેવા ગુણો કેળવાય તેવા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. વર્ગપ્રદર્શન અને નિદર્શનના આયોજનમાં 5 વર્ગખંડમાં બાળકો દ્વારા વિજ્ઞાન-વિસ્મય, ફળોની દુનિયા, ઈન્દ્રીય શિક્ષણ, જીવન-વ્યવહાર, દેશના નેતાઓ અને જેઓનું રોજબરોજના જીવનમાં આપણને કામ પડે તેવા વિવિધ કારીગરના કાર્યનું પ્રદર્શન રજૂ કરી કળાના કામણ પાથર્યા હતા. વર્ગપ્રદર્શનનું ઉદ્ઘાટન આરાધના ભવન જૈન સંઘના પ્રમુખ કમલનયનભાઈ મહેતા અને નીતાબહેન મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. રમતોત્સવના કાર્યક્રમમાં કુલ 22 રમતો યોજાઈ હતી. જેમાં બાળકોએ ભાગ લઈ રમતગમતની કળાને જીવંત કરી આનંદ માણ્યો હતો. પ્રસંગે યોગ અને ખેલકૂદપ્રેમી સંજયભાઈ શાહ અને કો-ઓર્ડિનેટર કૃપાબહેન નાકરે મશાલ પ્રજ્વલ્લિત કરી રમતોત્સવના કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. ઢીંગલીઘર-બાલઘરના બે બાળકો રાઠોડ સાક્ષી જતિનભાઈ અને ખત્રી મહમદસઆદ સરફરાઝને વર્ષ 2019-20ના `બેસ્ટ સ્ટુડન્ટ'નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શાળાના ટ્રસ્ટી મધુભાઈ સંઘવી, નલિનીબેન શાહ, માધ્યમિક વિભાગના આચાર્યા સુહાસબેન તન્ના તેમજ પ્રાથમિક વિભાગના આચાર્યા પંકજબેન રામાણીએ બાળકોની અભિવ્યક્તિની સરાહના સાથે ઢીંગલીઘરના સમગ્ર ટીમવર્કને બિરદાવ્યું હતું. આચાર્યા અનિલાબેન ગોરનું સન્માન નીતાબેન મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. સુપરવાઈઝર દીપાબેન ઠક્કર, જાગૃતિબેન બિજલાણી, પારૂલબેન ધામેચા, કમલાબેન મહેશ્વરી, નિશાબહેન સોનેતા, મીનાક્ષીબેન ઠક્કર તથા સ્ટાફે સહયોગ આપ્યો હતો. સંચાલન રોશનીબેન ઝાલા, સિદ્ધિબેન પટ્ટણી તથા નેહાબેન ગુંસાણીએ સંભાળ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer