કચ્છમાં નર્મદા નહેરનાં કામોમાં અવરોધ દૂર કરવા મુખ્યમંત્રીને રજૂઆત

ગાંધીનગર, તા. 17 : કચ્છની નર્મદા નહેરનાં કામોના આડે જે કંઈ વિઘ્નો છે એ વેળાસર દૂર કરીને છેવાડા સુધી કેનાલનું પાણી વહેતું થાય એ માટે રાજ્યમંત્રી વાસણભાઈ આહીરની આગેવાનીમાં કચ્છના ભાજપના ધારાસભ્યોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મળીને આગ્રહભરી રજૂઆત કરી હતી. આ બેઠકમાં નર્મદા નિગમના ચેરમેનની જવાબદારી સંભાળતા કૈલાસનાથન પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સાથે કચ્છ શાખા નહેર ઉપરાંત પેટા કેનાલનું નેટવર્ક ઝડપથી ઊભું થાય તેની વિગતે ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રીએ આગામી બજેટમાં કચ્છની નર્મદા યોજના માટે પૂરતી ફાળવણીની ખાતરી આપી હતી, એમ વાસણભાઈએ કચ્છમિત્ર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું. બેઠકમાં ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, વીરેન્દ્રસિંહ જાડેજા અને માલતીબેન મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સાથે ચોબારી અને શિણાય વિસ્તારમાં જમીન સંપાદનમાં ખેડૂતોના અસહકારનો મામલો ચર્ચાયો હતો. સરકાર વળતર તાત્કાલિક ચૂકવીને ઝડપથી કામ શરૂ થાય એ જોવા સૂચના આપશે. ધારાસભ્યોએ એવી રજૂઆત કરી હતી કે, નર્મદા યોજનાના નાના-મોટા પ્રશ્નો ઉકેલવા અને જમીન સંપાદનની પ્રક્રિયામાં અસરકારક કામગીરી થઈ શકે એ માટે એક પ્રાંતકક્ષાના અધિકારીને કાયમી ભુજ ખાતે નિમવામાં આવે. એ સિવાય દુધઈ કેનાલ રુદ્રમાતા સુધી લંબાવવામાં ઝડપભેર આગળ વધવા તથા જંગી સબ કેનાલમાં નેશનલ હાઈવેનું ક્રોસિંગ આવે છે તે અંગેની વિધિ સત્વરે પૂરી કરવામાં આવે એવી પણ માગણી કરવામાં આવી હતી. લિંક કેનાલનાં કામો ઝડપથી પૂર્ણ થાય એ સંબંધિત ચર્ચા માટે ટૂંક સમયમાં નિગમ સાથે ધારાસભ્યોની બેઠક યોજાશે, એમ શ્રી આહીરે માહિતી આપતાં જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer