કચ્છમાં ફર્યું કાળચક્ર : અકસ્માત-આપઘાતથી પાંચનાં મોત

ગાંધીધામ, તા. 17 : ભુજના કુકમા નજીક રેલડી ફાટક પાસે નીલગાય આડી ઊતરતાં બાઈકચાલક મનીષ મોહન આહીર (ઉ.વ.24)નું મોત થયું હતું, જ્યારે અન્ય બે ને ઈજાઓ પહોંચી હતી. તો રાપરના કાનમેરમાં અજિતસિંહ જીલુભા જાડેજા (ઉ.વ.20)એ ઝેરી દવા પી લેતાં તેનું મોત થયું હતું. તેમજ ગાંધીધામમાંથી બેભાન અવસ્થામાં મળી આવેલા અજય રાજુ મુદલિયા (મદ્રાસી) (ઉ.વ.33)નું સારવાર દરમ્યાન મોત થયું હતું. બીજી બાજુ મીઠી રોહરની ખાનગી કંપનીની વસાહતમાં નુકાલા પોલઈવ રાવ (ઉ.વ.32) નામના યુવાને ગળે ફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા અને રાપરના વેલા ઈસરા કોળી (ઉ.વ.28) નામના યુવાને ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન પૂર્ણ કરી લીધું હતું. કુકમા રહેનારા મનીષ આહીર, પીયૂષ મોહન ગોયલ તથા સુનીલકુમાર મૂળજી ગોપાલ આહીર નામના યુવાનો ગઈ કાલે બાઈક નંબર જી. જે. 12- 5826 લઈને સંબંધીના ઘરે રતનાલ આવ્યા હતા. કામ પતી જતાં આ ત્રણેય બાઈક પર સવાર થઈને પરત કુકમા જઈ રહ્યા હતા ત્યારે રેલડી નજીક રેલવે ફાટક પાસે તેમને અકસ્માત નડયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, અચાનક નીલગાય આ બાઈકમાં ભટકાતાં મનીષને ગંભીર ઈજાઓના પગલે તેનું મોત થયું હતું, તો અન્ય બે યુવાનોને સારવાર હેઠળ રખાયા હતા. કાનમેરમાં રામમંદિર નજીક રહેનારો અજિતસિંહ ગઈકાલે પોતાની વાડીએ હતો તેવામાં બપોરના ભાગે તેણે ઝેરી દવા પી લેતાં તેને સારવાર અર્થે ગાંધીધામ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવાને કેવા કારણોસર અંતિમ પગલું ભર્યું હશે તે હજુ બહાર આવ્યું નથી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. વધુ એક બનાવ ગાંધીધામમાં બન્યો હતો. અમદાવાદનો અજય મુદલિયા નામનો યુવાન છેલ્લા એકાદ વર્ષથી રેલવે મથક સામેના ભાગે રહેતો હતો. તેને અસાધ્ય બીમારી હતી, તે ગત તા. 10/2ના બેભાન અવસ્થામાં મળી આવતાં તેને પ્રથમ રામબાગ અને વધુ સારવાર અર્થે ભુજની જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. અપમૃત્યુનો ત્રીજો બનાવ મીઠીરોહરની સ્વસ્તિક ટુબર પ્રા. લિ. નામની કંપનીની વસાહતમાં બન્યો હતો. આ કંપનીમાં કામ કરતા તથા ઓરડીમાં રહેનારા નુકાલા નામના યુવાને રસ્સી વડે ગળે ફાંસો ખાઈ અનંતની વાટ પકડી લીધી હતી. અહીં એકલા રહેનારા આ યુવાને કેવા કારણોસર છેલ્લું પગલું ભર્યું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. અપમૃત્યુનો ચોથો બનાવ રાપરના હેલિપેડ વિસ્તારમાં બન્યો હતો. અહીં રહેનારા પરિણીત એવા વેલાભાઈ કોળી નામના યુવાને પોતાના ઘરે એંગલમાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. શ્રમિક એવા આ યુવાને કેવા કારણોસર આપઘાત કર્યો હશે, તેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer