સંચાર નિગમની 4જી સેવા કથળતાં ઉપભોકતાઓ અકળાયા

ભુજ તા 17: ખાનગી કંપનીઓ સામે બાથ ભીડવા સાથે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે બીએસએનએલ પોતાની સેવામાં સુધારો લાવવા માટે નીતનવા પ્રયાસો તો કરી રહ્યું છે પણ તેને ઈચ્છિત સફળતા ન મળી રહી હોય તેમ છાશવારે સંચાર નિગમની સેવામાં ખોટીપો સર્જાતો હોવાના લીધે ઉપભોકતાઓને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી જિલ્લામાં ભારતીય સંચાર નિગમ લિમિટેડની ફોરજી સેવા કથળતાં ઉપભોકતાઓને સંપર્ક સ્થાપિત કરવામાં વ્યાપક મુશ્કેલી સહન કરવાનો વારો આવી રહ્યો છે. ખાનગી કંપનીઓ સામે સ્પર્ધામાં ઝુકાવવા માટે બીએસએનએલે પણ 4જી સેવા લોન્ચ તો કરી હતી પણ જયારથી આ સેવા શરૂ થઈ ત્યારથી એક પછી એક સમસ્યાઓ આ સેવાને સતાવતી જ રહી છે. પાછલા બે ત્રણ દિવસની વાત કરીએ તો સંચાર નિગમની 4જી સેવા સંપૂર્ણપણે ઠપ નથી થઈ પણ નેટની કનેકટીવિટી અત્યંત ધીમી હોતાં સંચાર નિગમની 4જી સેવા સાથે જોડાયેલા ઉપભોકતાઓને છતા નેટવર્કે સંપર્કવિહોણા રહેવાનો વારો આવી રહ્યો છે. આ બાબતે કેટલાક ઉપભોકતાઓએ પોતાનો બળાપો કચવાટ સાથે વ્યકત કરતાં કહ્યું કે અન્ય ખાનગી કંપનીઓની તુલનાએ સંચાર નિગમની 4જી સેવા ઘણી જ નબળી દેખાઈ રહી છે. મોટાભાગની ખાનગી કંપનીઓ પ- જી સેવાની તૈયારી કરી રહી છે ત્યારે બીએસએનએલની 4જી સેવા પણ હાલ ડચકાં ખાતી હાલતમાં જોવા મળી રહી છે. જો હજુય સેવામાં સુધાર નહિ આવે તો અનેક ઉપભોકતાઓ બીજી કંપનીઓની સેવા તરફ ઢળવા માટે તૈયાર હોવાનું ચિત્ર હાલના તબકકે ઉપસતું જોવા મળી રહ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer