ડીપીટીમાં અધિકારીઓના હિતની રક્ષા માટે ઓફિસર એસો.એ વિનંતી કરતાં ચકચાર

ગાંધીધામ, તા. 17 : ચાર દિવસ પહેલાં સામાન્ય ભવિષ્યનિધિ સંદર્ભે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના નાણાં વિભાગે કથિત આડખીલી ઊભી કરતાં એફ.એ. એન્ડ સી.એ.ઓ.ની ચેમ્બરમાં એચ.એમ.એસ. યુનિયનના સભ્યોએ બે લેબર ટ્રસ્ટીઓની આગેવાની તળે કરેલી ઉગ્ર રજૂઆતમાં બિનસંસદીય ભાષાના થયેલા પ્રયોગને લાલબત્તી સમાન ગણાવીને ડીપીટી ઓફિસર્સ એસોસિએશને અધ્યક્ષ સમક્ષ અધિકારીઓના હિતનું સંરક્ષણ કરવા માંગ કરતાં હવે યુનિયન અને અધિકારીઓ વચ્ચે ટકરાવની સ્થિતિનું નિર્માણ થયું છે. ઓફિસર એસો.ના પ્રમુખ ડો. એસ.બી. સુર્યવંશી તથા મહામંત્રી રવિ મહેશ્વરીએ અધ્યક્ષને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે જીપીએફ મુદ્દે એફ.એ. એન્ડ સી.એ.ઓ.ડી.એન. સોઢીની ચેમ્બરમાં ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્ક્સ યુનિયનના સભ્યોએ એલ. સત્યનારાયણ તથા એમ.એલ. બેલાણીના નેતૃત્વમાં રજૂઆત કરી ત્યારે ઘૃણાસ્પદ અને બિનસંસદીય ભાષાનો પ્રયોગ કરાયો હતો. ઉપરાંત અધિકારીને ધમકી પણ અપાઈ હતી. કોઈ નિયમના અમલીકરણમાં મતભેદ હોઈ શકે અને તેને સંવાદથી ઉકેલવો જોઈએ, પરંતુ ગઈ તા. 13/2ના બનેલો આ બનાવ લાલબત્તીરૂપ છે. અધિકારીઓ સ્વતંત્ર રીતે કામ કરી શકે તે દિશામાં આ ઘટના આડખીલીરૂપ છે. જીપીએફને લઈને કામદાર સંગઠનની રજૂઆત કદાચ સાચી હોઈ શકે, પરંતુ જે રીતે રજૂઆત થઈ છે તે વાજબી ન હોવાનું પત્રમાં જણાવાયું છે. દરમ્યાન સંગઠનના સૂત્રોએ ઓફિસર્સ એસો.એ કરેલી આ રજૂઆતને પગલે હવે તમામ અધિકારીઓ સામે કાર્યક્રમો આપવા તૈયારી કરવાની તથા આ સમગ્ર મામલો કેન્દ્રીય શિપિંગ મંત્રી સાથે ઉપાડી લેવાની તૈયારી બતાવતાં હવે ડીપીટી પ્રશાસન અને કામદાર સંઘ વચ્ચે ટકરાવની સ્થિતિનું નિર્માણ થયું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer