સંચાર નિગમ કચેરીઓ પણ ભાડે આપી દેશે

ભુજ, તા. 17 : ભારત સંચાર નિગમના કર્મચારીઓને વી.આર.એસ. લઈ લેવાની મૂકવામાં આવેલી શરતોના પાલન સાથે આ યોજનાનો પ્રારંભ સૌથી પહેલાં કચ્છમાંથી કરવામાં આવ્યો હતો. કર્મચારીઓ નિવૃત્ત થઈ જતાં હવે ખાલી પડેલી કચેરીઓ પણ ભાડેથી આપી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચેરી ભાડેથી આપવામાં આવતી હોવાના પ્રાપ્ત થયેલા સમાચારને પગલે બી.એસ.એન.એલ.ના જનરલ મેનેજર સંજીવ સિંઘવીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, કચ્છના 295 કર્મચારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી છે. કુલ 440 જણના સ્ટાફમાંથી ત્રણસો જગ્યાઓ ખાલી થઈ જતાં હવે આખા કચ્છમાં 140 કર્મચારીઓ કાર્યરત છે અને સમગ્ર ભારતમાંથી કચ્છે પહેલ કરી છે, ત્યારે સંચાર નિગમનાં માળખાંને ચાલુ રાખવા હવે જરૂરત પ્રમાણે ખાનગી કોન્ટ્રાક્ટ ધોરણે માણસો રાખવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, ભુજમાં હરિપર રોડ ખાતેની જનરલ મેનેજરની વડી કચેરીમાંથી મોટાભાગની જગ્યાઓ ખાલી થઈ જતાં જે હવે કર્મચારીઓ છે તેઓને લાલટેકરી સ્થિત ટેલિફોન એક્સચેન્જમાં લઈ જવાનું ચાલે છે. હજુ થોડા સમય પહેલાં જ હરિપર રોડ ખાતે આ સંચાર ભવનનું બે કરોડના ખર્ચે નિર્માણ કરાયું છે, તે આખી કચેરી ભાડે આપી દેવાની વાત સાચી છે. સંચાર નિગમ ખર્ચ ઘટાડી આવક વધારીને ગ્રાહકોને સેવા આપવા મક્કમ છે, ત્યારે આ ભવનને ભાડે આપી દેવામાં આવશે. 6 હજાર સ્ક્વેર ફિટની જગ્યાનું ભાડું જે આવશે તે આવકમાં ગણાશે. વિશેષમાં અમારી પાસે એ જ સંકુલમાં પ્રિફેબ સ્ટ્રક્ચર પણ છે, તે ઉપરાંત લાલટેકરીમાં એક્સચેન્જના ભાગ ભાડા પર ચલાવવાનું આયોજન છે, એમ તેમણે જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer