મોંઘવારી નાબૂદીના મુદ્દે મત માંગી ભાજપે લોકોને ગુમરાહ કર્યા : કોંગ્રેસ

ભુજ, તા. 13 : મોંઘવારી નાબૂદીના નામે મત માંગી ભાજપ સરકારે લોકોને ગુમરાહ કર્યા છે. કોંગ્રેસની સરકાર વખતે મોંઘવારીના મુદ્દે છાસવારે વિરોધ કરનારા નેતાઓ હાલ ક્યાં સંતાઇ ગયા છે ?. કચ્છ જિલ્લા કોંગ્રેસે કરી ઉજ્જવલા ગેસ યોજના અંગે પણ ગરીબ મહિલાઓને સરકારે છેતરી છે તેમજ કચ્છમાં આ યોજના હેઠળ મોટું કૌભાંડ ચાલી રહ્યાનોય આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને પ્રવકતા ગનીભાઇ કુંભારે જણાવાયું છે કે, કચ્છ જિલ્લામાં ઉજ્જવલા ગેસની સબસિડીના નામે હજારો ગરીબ પરિવારોને છેતરવામાં આવી રહ્યા છે. ગેસના બાટલાની અલગથી રકમ તથા ગેસચૂલાના પણ પૈસા અલગથી ચૂકવાયા છે. અને આ જોડાણો અંતર્ગત લાભાર્થીને 3થી 4 વર્ષ સુધી સબસિડીનો લાભ પણ મળ્યો નથી. હાલમાં ઉજ્જવલા યોજના હેઠળ ભૂતિયા જોડાણોનું પણ મોટું કૌભાંડ બહાર આવી રહ્યું છે. ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં ખુદ લાભાર્થીના નામે જોડાણ લેવામાં આવે છે જેમાં મૂળ લાભાર્થી આ બાબતથી અજાણ હોય છે. શહેરી વિસ્તારમાં આવા ભૂતિયા જોડાણોનું પ્રમાણ વધારે છે. આ બાબતે સરકારથી માંડીને પુરવઠા વિભાગના અધિકારીઓની મિલીભગતથી કૌભાંડ ચાલી રહ્યું છે. જેમાં ખરેખર તપાસ થવી જોઇએ તેવું કોંગ્રેસે જણાવ્યું છે. કચ્છ જિલ્લાના પુરવઠા વિભાગમાં હાલમાં ઘણા સમયથી જિલ્લા પુરવઠા અધિકારીની જગ્યા ખાલી છે. ઉજ્જવલા યોજનાના નામે બહુ વાહવાહી લૂંટાય છે, પરંતુ આ વિભાગમાં 80 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. જે નરી વાસ્તવિકતા છે. સરકાર પણ કાયમી કર્મચારીઓની નિમણૂકને બદલે આઉટસોર્સિંગથી ભરતી કરે છે. જે બાબત ગંભીર છે. હાલમાં 150 રૂા. બાટલા દીઠ વધારી મહિલાઓ ગૃહિણીઓ સાથે અન્યાય કર્યો છે. મોંઘવારી કાબૂમાં આવે તે માટે સરકાર પાસે કોઇ જ નક્કર આયોજન નથી. પ્રજા ત્રસ્ત છે જેથી પોતાની નૈતિક જવાબદારી સમજી મુખ્યમંત્રી તથા કચ્છના ભાજપના ચૂંટાયેલા સાંસદ-ધારાસભ્યોએ રાજીનામું આપી દેવું જોઇએ એવું કચ્છ જિલ્લા કોંગ્રેસે જણાવ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer