21મી સદીમાં આ ઘટના મનોમંથન માંગે તેવી છે

21મી સદીમાં આ ઘટના મનોમંથન માંગે તેવી છે
ભુજ, તા. 16 : ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કરતી છાત્રાઓને વત્રો ઉતારીને ઋતુધર્મ તપાસવા માટે બળજબરી થઈ એ ઘટનાના ઘેરા પડઘા રાજ્ય સહિત દેશમાં પડયા છે. ભારે ઉહાપોહ વચ્ચે ગઇકાલે રાજ્ય મહિલા આયોગની પાંચ સભ્યોની ટીમે ઘટનાક્રમની માહિતી મેળવ્યા બાદ આજે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલબેન દેસાઇ ભુજ ધસી આવી ભોગગ્રસ્ત છાત્રાઓ તેમજ સ્ટાફ?અને સંચાલન સમિતિના સભ્યોને મળી ઘટનાની માહિતી મેળવી હતી. દિવસભર વ્યસ્ત રહેલા સદસ્યાએ જણાવ્યું હતું કે, આજે 21મી સદીમાં પણ કોઇ ધર્મ-સંપ્રદાયને ધ્યાનમાં રાખીને ફરજિયાતપણે પળાવવામાં આવતા  નિયમો ગહન ચર્ચાનો વિષય છે અને તે સાંપ્રત સમયમાં મનોમંથન માગી લે છે. ભોગગ્રસ્ત છાત્રાઓને મળ્યા બાદ તુરંત પત્રકારો સાથેની વાતચીતમાં ડો. રાજુલબેને જણાવ્યું હતું કે, ભોગગ્રસ્ત કન્યાઓ સાથેની વાતચીત દરમ્યાન ખુદ બાળાઓએ જણાવ્યું કે,  અહીં પ્રવેશ દરમ્યાન સંસ્થા દ્વારા પાળવામાં આવતા નિયમો માટે હસ્તાક્ષર કરી તે નિયમો પાળવા અમે બંધાયેલા છીએ, પરંતુ જે બળજબરીપૂર્વક તપાસણી થઇ તે અયોગ્ય છે. ડીસા લો કોલેજના પ્રિન્સિપાલ એવા ડો. રાજુલબેને વધુમાં ઉમેર્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાનો માટે યુ.જી.સી.ની માર્ગદર્શિકા-નિયમો જારી કર્યા છે. હોસ્ટેલ પણ શૈક્ષણિક સંકુલ હોવાથી તેને પણ આ નિયમો લાગુ પડે છે અને આ જે ઘટના બની છે તે નિયમ વિરુદ્ધ હોવાથી તેની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેની હું તરફેણમાં છું તેમજ આજે 21મી સદીમાં પણ કોઇ ધર્મ-સંપ્રદાયને ધ્યાનમાં રાખીને તેના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા બળપૂર્વકનો આગ્રહ કરાય છે તે સમાજ માટે ગહન ચર્ચાનો વિષય છે. જેના પડઘા દૂર દૂર સુધી પડી ચૂક્યા છે તેવા આ મામલામાં આજે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. દેસાઇ તેઓના પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ બપોરે 12 વાગ્યે ભુજ પહોંચવાના હતા, પરંતુ સંજોગોવસાત તેઓ બપોરે 2.30 વાગ્યે સર્કિટહાઉસ પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા કલેક્ટર પ્રવીણા?ડી.કે., કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ દર્શનાબેન ધોળકિયા, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનિબેન દવે, ડીવાય.એસ.પી.  જે. એન. પંચાલ, બી.એમ. દેસાઈ,  પી.આઇ. આર. એન. ખાંટ સહિતનો પોલીસ કાફલો અને ભુજ?શહેર મામલતદાર એ. એ. સુમરા તથા વહીવટી તંત્ર તેમજ તપાસ સમિતિના સભ્ય પ્રો. કાશ્મીરાબેન મહેતા અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વતી પેનલ એડવોકેટ માલશ્રીબેન ગઢવી સાથે રહ્યા હતા. ભુજ પહોંચીને સમગ્ર કાફલો મારતી ગાડીએ મિરજાપર રોડ સ્થિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટમાં પહોંચ્યો હતો, જ્યાં ડો. રાજુલબેન સૌપ્રથમ ઇન્સ્ટિટયૂટના સંચાલક મંડળ અને ટ્રસ્ટીઓને મળ્યા હતા. બાદમાં છાત્રાઓ સાથે પણ બંધબારણે ચર્ચા કરી હતી, ટ્રસ્ટીઓ સાથેની વાતચીત જાહેરમાં થઈ જ્યાં જાદવજી ગોરસિયાએ આખા ઘટનાક્રમનો ચિતાર આપ્યો હતો અને જણાવ્યું હતું કે, સેનેટરી પેડ મશીનમાં નાખવાના બદલે લોબીમાંથી આડેધડ ફેંકી દેવાના પગલે છાત્રાઓને સૂચના આપવા  અને માફીનામાં લખાવ્યા છતાં તે કામ રાબેતા મુજબ થતું ન હોવાથી ગૃહમાતાએ તેની વાત ન મનાતી હોવાની રાવ મોવડીઓને કરતાં દરમિયાનગીરી માટે આચાર્યાને બોલાવ્યા હતા. છાત્રાઓ અને તેઓ વચ્ચે મોટાપાયે જીભાજોડી બાદ તે સેનેટરી પેડ?કોણે ફેંક્યા તેની ચકાસણી માટે છાત્રાને શોધવા ચેકિંગ થઇ હતી. જે અયોગ્ય હોવાનું શ્રી ગોરસિયાએ કબૂલી આના પાછળ કોઇ જ બદઇરાદો ન હોવાની સ્પષ્ટતાય કરી હતી.ડો. રાજુલબેને હજુ પણ વધુ ભોગગ્રસ્ત છાત્રાઓ કે જે ઘેર ચાલી ગઈ છે તેમની સાથે ટેલિફોનિક સંપર્ક સાધી તેના નિવેદનો લેશે તેમજ સ્થાનિક પોલીસ પાસેથી પણ સમગ્ર કામગીરીનો અહેવાલ મગાવી સરકાર સમક્ષ રજૂ કરાશે, તેવું તેમણે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer