દીકરીને મૌનના સંસ્કાર ન આપી વિકાસની મોકળાશ આપો

દીકરીને મૌનના સંસ્કાર ન આપી વિકાસની મોકળાશ આપો
ભુજ, તા. 16 : દીકરીને મૌનના સંસ્કાર ન આપી પ્રથમ તું માનવી છો, સ્ત્રી-પુરુષ એ ગૌણ બાબત હોવાનું સમજાવવા સાથે તેને વિકાસની મોકળાશ આપવી આજના સમયમાં જરૂરી હોવાનું રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલબેન દેસાઇએ જણાવ્યું હતું. રાજ્યમાં ચર્ચા જગાવનારી ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટમાં બનેલી છાત્રાઓ સાથેની અશોભનીય ઘટનાને વખોડવા આજે મહાદેવ નાકે પેન્શનર્સ ઓટલા નજીક કચ્છ મહિલા વિકાસ સંગઠન આયોજિત `માસિક ઘટના-કુદરતી, તો શાને હું અપવિત્ર ?' શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રાજુલબેને વધુમાં જણાવ્યું કે, એક તરફ મહિલાના ગૌરવની વાતો થાય છે ત્યારે અનેક સ્થળે સામાજિક રૂઢીચુસ્તતા, મર્યાદાના નામે સ્ત્રીના પગમાં જંજીર બંધાય છે. તેમણે ઉપસ્થિત યુવતી, મહિલાઓને કાયદાઓમાં આવેલા બદલાવ અંગે જણાવી ટેકનોલોજીથી અપડેટ થઇ ઓનલાઇન ફરિયાદ સહિતની ઉપયોગી માહિતી આપી હતી.આ અવસરે એમઇડબલ્યુએસના પ્રિન્સિપાલ રઝિયાબેન મેમણે માસિક ચક્ર અંગે સમજ આપી ભારતમાંથી નામશેષ થતા કુરિવાજો આજે ફરી શા માટે દેખાઇ રહ્યા છે તેવો સવાલ ઊઠાવી વિદ્યાર્થિનીઓને ગુપ્તતા જાળવવાનો હક્ક હોવાનું કહ્યું હતું. ક્યારેય ન સાંભળી હોય તેવી તાજેતરમાં છાત્રાઓ સાથે ઘટેલી ઘટના સામે રોષ વ્યક્ત કર્યો હતો. ધર્મેશભાઇએ હાલના સમયમાં ઉદ્દભવતા પ્રશ્નો રજૂ કર્યા હતા, જેનો ડો. પ્રફુલ્લાબેન ભીંડેએ ઉત્તર આપી જણાવ્યું કે, જ્યાં નારીનું સન્માન હોય ત્યાં જ ભગવાનનો વાસ હોય છે તેમ કહી ઉમેર્યું કે, સ્વામિનારાયણ ભગવાન સ્ત્રીઓના ઉદ્ધારક હતા ત્યારે આવી ઘટના ધર્મમાં શ્રદ્ધા ડગાવી નાખનારી છે. ધર્મ ખોટો નથી, પણ છાત્રાઓનું સન્માન ભંગ કરતી આ રીત ખોટી હોવાનું અને તેનાથી છાત્રાઓને આઘાત લાગી શકે તેમ જણાવ્યું હતું. પ્રારંભે ડો. જાશ્મીનબેને પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યું હતું.  કેએમવીએસના ડાયરેક્ટર અરુણાબેન ધોળકિયાએ કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો. ડાન્સ, ગીત, કવિતા, નાટકના માધ્યમથી યુવતીઓને જાગૃત કરવા સાથે સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટમાં બનેલી ઘટના સામે વિરોધ દર્શાવાયો હતો. આ પ્રસંગે સંગઠન દ્વારા ભલામણો કરતાં પેમ્પલેટ સ્થળ પર વિતરણ કરાયાં હતાં, જેમાં કોઇપણ સ્થળે માસિકચક્રને લઇ ધર્મ કે માન્યતા સાથે જોડી નિયમો, બંધનો કે ભેદભાવયુક્ત વર્તન ન હોવું જોઇએ. શૈક્ષણિક સંસ્થાઓ માસિકને કુદરતી અને શારીરિક વિજ્ઞાનના મુદ્દે સાચું શિક્ષણ આપે. ઉપરોક્ત ઘટનામાં જવાબદારો સામે કાનૂની રાહે પગલાં ભરાય સહિતના મુદ્દા સમાવાયા હતા. ઉપરાંત સ્થળ પર સહી ઝુંબેશ પણ કરાઇ હતી. કાર્યક્રમ દરમ્યાન ડાન્સ, ગીત, કવિતા, નાટકે ઉપસ્થિતોની દાદ મેળવી હતી. મોટી સંખ્યામાં યુવતીઓ, મહિલાઓ તથા ભુજના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કેએમવીએસના માલશ્રીબેન ગઢવી, કૃતિબેન લહેરૂ, ચંદાબેન જોષી, જાગૃતિબેન ગઢવી તથા ટીમે જહેમત ઊઠાવી હતી. સંચાલન પ્રજ્ઞાબેન ગોરે, આભારવિધિ માલશ્રીબેને કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer