ક્ષયના દર્દીઓ સહાય મુદ્દે ખુદ ઉદાસીન

ક્ષયના દર્દીઓ સહાય મુદ્દે ખુદ ઉદાસીન
કિશોર ગોર દ્વારા-
ભુજ, તા. 16 : રાજરોગ તરીકે અગાઉ ઓળખાતા ટીબીને સરકાર 2025 સુધી દેશમાંથી નાબૂદ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે પણ કેટલાક દર્દીઓના અસહયોગને કારણે સફળતા સાંપડતી નથી. કચ્છમાં ડિસે. 2019માં 1610 ટીબીના દર્દી સારવાર હેઠળ નોંધાયા તેમાંથી 138 કેસ ડ્રગ રેઝીસ્ટન્ટ છે. ડ્રગ રેઝીસ્ટન્ટનો મતલબ દર્દીને અપાતી ચાર-પાંચ દવાઓ પૈકીની કોઇ દવા લાગુ ન પડે. આવા 10 દર્દીઓમાં ભુજ, માંડવી, રાપર અને ગાંધીધામ તાલુકામાં બબ્બે નખત્રાણા તથા અંજાર તાલુકામાં એક એક છે. તો તેના સહિત 35 કેસ એવા છે જે સારવાર લેવાની ના પાડે છે કે અધવચ્ચે સારવાર છોડી દીધી છે. જિલ્લા ક્ષય અધિકારી ડો. દેવચંદભાઇ ગાલા જણાવે છે કે 10 ડી.આર. ટીબી દર્દીને તેમની ભાષામાં જીવતા બેમ્બ કહેવાય. જે ચેપ ફેલાવી રહ્યા છે. તેમની રોગ પ્રતિકારક શક્તિને આધારે તેમનું જીવન ટકી રહે છે એચ.આઇ.વી., ન્યુમોનિયા, ડાયાબિટીસ થાય તો વહેલું મરણ સંભવે. આવા દર્દીઓને સારવાર લેતા કરવા, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને સ્થાનિકના લોકો મારફતે પ્રયત્નો કરાતા રહે છે ફરજિયાત સારવાર લેવાની ફરજ પાડવા કોઇ કાનૂની વ્યવસ્થા નથી. કોઇપણ દવા અસર ન કરે તેવા દર્દીઓ માટે અગાઉ વિદેશથી દર્દી દીઠ રૂા. 18 લાખની ગોળીઓ કેન્દ્ર સહકાર લઇને મફત આપતી જેની પાછળથી કિંમત ઘટી 8 લાખ થઇ વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રયાસોથી ઘણી કંપનીઓ દ્વારા ઉત્પાદન થતાં  હવે તે 15થી 17 હજારમાં સરકારને મળતી દવા સિવિલ હોસ્પિટલમાંથી મફત અપાય છે. દર્દીને ગોળીઓ તો મફત અપાય છે પણ પૂરક ફળ, દૂધ જેવા આહાર લેવા રૂા. 500ની સહાય તેમના બેંક ખાતામાં જમા કરાવાય છે. પણ દુર્ભાગ્યની વાત છે કે 71 ટકા દર્દીઓની જ બેંક વિગતો મળી શકી છે તેમને એક માસના રૂા. 500ના હિસાબે રૂા.70,38,500 બેંક ખાતામાં જમા કરાવાયા છે. બાકીના પૈકી કેટલાક સહાય લેવા નથી માંગતા તો કેટલાક એક કુટુંબમાં એકથી વધુ દર્દી અને એક જ ખાતું હોવાથી ટેકનિકલ મુશ્કેલી   થાય છે. ટીબી ચેમ્પિયન યોજના અંતર્ગત રાજ્યમાં પાઈલોટ પ્રોજેકટ સફળ રહ્યો છે. જે દર્દી ટીબી મુક્ત થયા બાદ અન્ય ટીબીના દર્દીની સારવાર માટે તૈયાર થાય તેને ટીબી ચેમ્પિયન કહેવાય તેને દર મહિને રૂા 500 ઉપરાંત સ્ટાઇપેન્ડ આપવાની જોગવાઇ છે. કચ્છમાંથી  ઇચ્છુક ટીબી મુક્ત દર્દીઓની વિગતો મંગાવાઇ રહી છે તેમની માર્ચ સુધી તાલીમ પૂર્ણ કરાશે. ડો. ગાલા વધુ વિગતો આપતાં જણાવે છે કે જાન્યુ.20માં 277 નવા કેસ શોધાયા છે. જેમાં 265 સરકારી હોસ્પિટલ અને 37 ખાનગી હોસ્પિટલમાં શોધાયા છે. ટીબી કામગીરીમાં બધા જ ઇન્ડિકેટરમાં 15 લાખથી વધારે વસ્તીવાળા જિલ્લાઓમાં કામગીરીમાં કચ્છ બીજા સ્થાને આવ્યું છે. તાલુકા કક્ષાએ અબડાસા પહેલા અને ભચાઉ બીજા ક્રમાંકે છે. ખાનગી તબીબી ટીબીના કેસની સારવાર કરે તો તેને નોટિફીકેશન મુજબ 500 રૂા. અને 500 રૂા. સારવાર પૂરી કરીને જાણ કરે તો આપવામાં આવે છે.આશા બહેનો કે અન્ય જે ડોટ અંતર્ગત સારવાર આપે છે તેને સાદા ટીબીના કેસમાં સારવાર પૂરી કરાવે તો રૂા. 1000 અને ડ્રગ રેઝીસ્ટન્ટ સારવાર પૂરી કરાવે તો રૂા. 5000 સીધા તેમના બેંક ખાતામાં જમા થાય છે. ટીબીના દર્દીના ઘરની કોઇ ભણેલી વ્યક્તિ પણ જો દર્દીને ગોળી ખવડાવવાની જવાબદારી સ્વીકારે તો તેને પણ સરકાર સહાય આપે છે. ભારતમાં 2025 સુધી ટીબી નાબૂદીનું લક્ષ્યાંક સ્વીકારાયું છે. જેમાં 2015ની સરખામણીમાં 95 ટકા મરણ ઘટાડવા અને 90 ટકા ટીબીના કેસ ઘટાડવા તથા ટીબીના કારણે દર્દીઓને થતો ખર્ચો શૂન્ય સુધી લઇ જવાનું સ્વીકારાયું છે. 2019માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી કુલ્લ 4005 ટીબીના દર્દી મળ્યા છે. ટીબીના દરેક કેસનું એચઆઇવી, ડીએમ પરીક્ષણ અને ડીએમ, એચઆઇવીના દરેક કેસનું ટીબી પરીક્ષણ ફરજિયાત કરાયું છે. ટીબીના દર્દીઓનો ગુજરાતમાં મૃત્યુ દર 7 ટકા જેટલો છે તે સામે કચ્છમાં સ્થિતિ પ્રમાણમાં સારી હોવાનું કહેતાં ડો. ગાલા જણાવે છે કે કચ્છમાં ટીબીના કુલ્લ દર્દીઓમાંથી ત્રણ ટકા મૃત્યુદર છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer