પાવરપટ્ટીના ડેમો નર્મદાનાં નીર માટે તરસ્યા

પાવરપટ્ટીના ડેમો નર્મદાનાં નીર માટે તરસ્યા
બાબુ માતંગ દ્વારા-
નિરોણા (પાવરપટ્ટી), તા. 3 : કચ્છના મોટા રણ કાંઠાળ વિસ્તારમાં પથરાયેલા પાવરપટ્ટીના ભૂગર્ભજળ ઊંડે ઊતરી ક્ષારયુક્ત બન્યા પછી ખેતીનો વ્યવસાય લગભગ ભાંગી ચૂક્યો છે. છ દાયકાઓ અગાઉ પંથકની જીવાદોરી સમાન સિંચાઇ યોજનાના આડબંધો પણ અનિયમિત વરસાદને લઇ સિંચાઇ સુવિધા વેરવિખેર બનતાં પાવરવાળો ગણાતો વિસ્તાર ઝડપભેર ઉજ્જડ થઇ વેરાન બની રહ્યો છે. ત્યારે એકમાત્ર આશાના કિરણ સમાન પંથકના એક સીધી લીટીમાં પથરાયેલા ડેમોને નર્મદાનાં વધારાનાં પાણીથી ભરવામાં આવે તો પંથકના ગયા દિવસો પાછા વળી શકે છે. પાવરપટ્ટીનો ભૂપૃષ્ઠ ભારે વિશિષ્ટતા ધરાવે છે. ઉત્તરે અફાટ રણપ્રદેશ તો દક્ષિણે લાંબી લાંબી ડુંગરોની હારળમાનો પંથક આ પહાડી વિસ્તાર જળસંચયનની પ્રવૃત્તિ માટે અતિ અનુકૂળ હોઇ આજથી છ-સાત દાયકા અગાઉ રુદ્રમાતા જાગીરની પછીતમાં રુદ્રમાતા ડેમ, ઝુરાથી દક્ષિણ-પશ્ચિમે લખરિયા નજીક કાયલા ડેમ, નખત્રાણા તાલુકાના ઓરીરા ગામ પાસે નિરોણા ડેમ તથા દેવીસર પાસે ધીણોધર ડુંગરની વચ્ચે ભૂખી ડેમનું નિર્માણકાર્ય પૂર્ણ થયા પછી શરૂઆતના વર્ષોમાં પૂર્વે કુનરિયા -ઢોરીથી માંડી પશ્ચિમે દેવીસર સુધીના વિસ્તારની ત્રીસેક હજાર એકર જમીનમાં સિંચાઇની સુવિધા ઊભી થઇ હતી. આ પૈકી 39 ફૂટ પાણીની ઊંચી સપાટીએ છલકાતા રુદ્રમાતા ડેમ હેઠળ લાભાન્તિ કુનરિયા, નોખાણિયા, સુમરાસર (શેખ), ઢોરી, લોરિયાના ખેડૂત ખાતેદારોની 13000 એકર, ઝુરા ગામની 8 કિ.મી. દક્ષિણે ભખરિયા નજીક 1964માં નિર્માણ પામેલા કાયલા ડેમની જળસંગ્રહશક્તિ 311 એમ.સી.એફ.ટી. હતી. જે જળ જથ્થાથી ઝુરા, જતવાંઢ, લોરિયા, પાલનપુરના સીમાડાની 2300 એકર જમીનને પિયતની સુવિધા મળતી.જ્યારે કચ્છમાં મધ્યમ સિંચાઇ યોજના હેઠળ ત્રીજા ક્રમે આવતા નિરોણા ડેમ 811.17 એમ.સી.એફ.ટી. પાણીની સંગ્રહશક્તિ ધરાવે છે. જે નિરોણા, પાલનપુર, બિબ્બર, વેડહાર, અમૃત ફાર્મ, અમરગઢ, હરિપુરા, લક્ષ્મી ફાર્મની 6000 એકર જમીનમાં પિયતની સુવિધા મળતી, જ્યારે ધીણોધર ડુંગરની દક્ષિણે આવેલા ભૂખી ડેમમાં 514.98 મિલિયન ઘનફૂટ પાણીનો જથ્થો એકત્ર થતો જે વંગ, ડાડોર અને ગોધિયાર ગામોની 3200 એકર જમીનમાં પિયત થતો.ડેમોના નિર્માણ બાદ પિયત વિસ્તાર ખૂબ જ ટૂંકો હોઇ સિઝનમાં પાકને 6થી 7 પાણી મળતાં શરૂઆતમાં ઘઉંનું ભારે ઉત્પાદન થતું. પાછળના વર્ષોમાં કપાસ અને ઇસબગુલ જેવા પાકોનો પુષ્કળ પ્રમાણમાં ઉતારો જોવા મળતો, પરંતુ પાછળથી ડેમોનાં તળિયાંમાં કાંપના થરો પથરાતાં જળસંગ્રહશક્તિમાં ભારે ઘટાડો થયો,  વળી ભૂકંપ બાદ પંથકમાં ગૌચર અને સરકારી પડતર જમીન પર ભારે પ્રમાણમાં દબાણ કરી ખેડવાણમાં ફેરવી દેવાતાં સિંચાઇ વિસ્તારમાંભારે વધારો થતાં હાલ આ ડેમો છલકાય તો બે-ત્રણ પાણી માંડ માંડ મળી શકે છે.  રુદ્રમાતા, કાયલા, નિરોણા તથા ભૂખી ડેમ એક સીધા જ પટ્ટામાં અને 40 કિ.મી.ના ટૂંકા અંતરમાં પથરાયેલા છે. અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ વચ્ચે આવતા આ ચારે ડેમો માટે ઓછા ખર્ચે પાઇપાલઇન પાથરી શકાય છે.છ દાયકા જૂના આ ડેમોના તળિયાંમાં કાંપના ચડી ગયેલા થરને દૂર કરી નર્મદાનાં વધારાનાં નીરથી છલકાવવામાં આવે તો પંથકની 60થી 70 હજાર એકર જમીનને પિયતનો લભ મળી શકે, જેને લઇ આ વિસ્તાર ફરી અસલિતયમાં ફરી શકે છે. પથંકના ચારે ડેમોમાંથી પાણીનું વહન કરતી કુલ 87 કિ.મી. લંબાઇની કાચી-પાકી કેનાલો ઠેઠ રણપંથક સુધી પથરાઇ, સિંચાઇની સુવિધા કરી છે. આ કેનાલો ઘણાં વર્ષો જૂની હોઇ હાલ ખખડગંજ બની છે. પંથકની માંગ મુજબ રાજ્ય સરકાર હકારાત્મક અભિગમ અપનાવી નર્મદાનાં નીર ઠાલવી નવી કેનાલો મારફતે પાણી છોડવામાં આવે તો સમગ્ર પંથકમાં એક નવી હરિયાળી ક્રાંતિ સર્જાઇ શકે છે. 

 
ડેમોમાં નર્મદાનાં નીર ઠાલવવા મુદ્દે  રાજકીય અગ્રણીનો પણ એકસૂર
નિરોણા (પાવરપટ્ટી), તા. 3 : રાજાશાહી વખતથી ભારે જાહોજલાલીવાળા ગણાતા પાવરપટ્ટનાં ભૂગર્ભજળ ક્ષારયુક્ત બન્યાં પછી ખેતી પર ખતરો સર્જાતાં ઉજ્જડ બન્યો છે. ખેતીના વ્યવસાયને પુન: ધબકતો કરવા એકમાત્ર નર્મદા નીરના વિકલ્પ માટે વિસ્તારના રાજકીય અગ્રણી પણ પક્ષાપક્ષીથી દૂર રહી કટિબદ્ધ બન્યા છે. કુનરિયા ગામના યુવા અને ઉત્સાહી સરપંચ સુરેશભાઇ છાંગાએ આ બાબતે ત્રણ વખત રજૂઆત કરી છે. કચ્છમિત્ર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સરકાર આ બાબતે સકારાત્મક છે. જો વહેલી તકે પંથકના ડેમોમાં નર્મદાનાં નીર ઠાલવવામાં આવે તો ઢોરી, સુમરાસર, કુનરિયા વિસ્તારમાં ખાસ કરી કપાસનું મબલક ઉત્પાદન થઈ શકે છે. ફળફળાદિના પાકો માટે પણ વિસ્તાર જાણીતો છે, તો સમગ્ર જિલ્લાને તાજા શાકભાજી આ પંથક પૂરા પાડી શકે છે. નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન ધીરજલાલ પટેલે રાજ્યકક્ષાના કચ્છી મંત્રી વાસણભાઇ આહીરને પત્ર પાઠવી આ ડેમોમાં નર્મદાના નીર વહેવડાવવાની માંગ કરતાં મંત્રીશ્રીએ પણ  આ  બાબાતે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તે માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલેને પત્ર દ્વારા ભલામણ કરી છે. તો અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સરકારને આવેદનપત્ર પાઠવી વિધાનસભાના આગામી બજેટ સત્ર બજેટમાં આ પંથકના ડેમોને નર્મદાનાં નીરથી ભરવાની કામગીરીનો  સમાવેશ કરવા જણાવ્યું છે. જો તેમની માગણી ગ્રાહ્ય રાખવામાં નહીં આવે તો વિધાનસભા આગળ ઉપવાસ પર ઊતરવાની ચીમકી પણ  ઉચ્ચારી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer