ભુજે `જોશ ફોર જવાન''માં જોશ દર્શાવ્યો

ભુજે `જોશ ફોર જવાન''માં જોશ દર્શાવ્યો
ભુજ, તા. 16 : સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ અને કચ્છમિત્ર દૈનિકના સંયુક્ત ઉપક્રમે દેશના વીર શહીદ જવાનોના પરિવારને આર્થિક યોગદાન આપવાના આશયથી એક નાની પહેલના ભાગરૂપે `જોશ ફોર જવાન્સ' અંતર્ગત રવિવારે મેરેથોન અને સાઈકલિંગનું આયોજન કરવામાં આવ્યું, તેમાં ઊમળકાભેર લોકો જોડાયા હતા. રવિવારની સવારે ગુલાબી ઠંડીના માહોલમાં મોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત શહેરીજનો શાળાના પ્રાંગણમાં ઊમટી પડયા હતા. કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. તેમની સાથે સંસ્કાર સ્કૂલના કિરીટભાઇ કારિયા, એ.ડી.આઈ. બિપિનભાઈ વકીલ, ટ્રસ્ટી વિરેનભાઈ શાહે મશાલ પ્રજ્વલિત કરી અને રેલીને સ્ટાર્ટ આપ્યો હતો. પહેલના ભાગરૂપે ભુજ અને આસપાસના વિસ્તારના સાતસો ઉપરાંત નાગરિકોએ 1 લાખ 1 હજાર જેટલી માતબર રકમનું આર્થિક યોગદાન આપી શહીદ જવાનોના પરિવાર પ્રત્યે સંદેવનાસભર લાગણી પ્રગટ કરી હતી. સાંસદએ પણ 5100નું યોગદાન જાહેર કર્યું હતું. ગોટી, સમ્રાટ કિંગ, સનત જિમ, રોટરી ક્લબ, ભુજ રનર્સ એસોસીએશન અને સુમતિ સ્ટડી સેન્ટર તરફથી સુંદર સહયોગ સાંપડયો હતો. સંસ્કાર શાળાનો સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓની ટીમે સ્વયંસેવકની ઉત્તમ ભૂમિકા ભજવી હતી. ટ્રાફિક પોલીસ ખાતા તરફથી પણ સલામતીના ભાગરૂપે સહકાર સાંપડયો હતો. ડાયરેક્ટર ચિંતનભાઈ મોરબિયાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આવકાર અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય વિરાજભાઈ બારોટે કર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer