હેમરાજ શાહ હરતી-ફરતી લાયબ્રેરી

હેમરાજ શાહ હરતી-ફરતી લાયબ્રેરી
મુંબઈ, તા. 16 (અમારા પ્રતિનિધિ તરફથી) : બૃહદ મુંબઈ ગુજરાતી સમાજના ઉપક્રમે આજે સોમવારે બપોરે મંત્રાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હેમરાજ શાહ સંપાદિત પુસ્તક `વાર્તાવિશેષ'નું વિમોચન પર્યાવરણ અને પ્રદૂષણ વિભાગના પ્રધાન આદિત્ય ઠાકરેના હસ્તે કરાયું હતું. મંત્રાલયની કેબિન નં. 717માં યોજાયેલા કાર્યક્રમમાં આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે હેમરાજભાઈ હાલતી-ચાલતી લાઈબ્રેરી જેવા છે. પ્લાસ્ટિક બંધીની ચળવળ મેં શરૂ કરી ત્યારે પણ તેમણે પ્લાસ્ટિક બંધી વિષે પુસ્તક પ્રસિદ્ધ કર્યું હતું. હેમરાજ શાહે ટૂંકા વકતવ્યમાં જણાવ્યું હતું કે, વર્ષ 2019માં `િચત્રલેખા'ના સહકારથી `કચ્છશક્તિ' આયોજિત વાર્તા સ્પર્ધામાં પસંદ પામેલી 30 વાર્તાઓનો `વાર્તાવિશેષ' પુસ્તકમાં સમાવેશ કરાયો છે. અગાઉ મારાં 49 પુસ્તક પ્રગટ થયાં છે. આ 50મું પુસ્તક છે. આ પ્રસંગે `િચત્રલેખા'ના મૌલિક કોટક, `જન્મભૂમિ' ગ્રુપના મુખ્ય તંત્રી કુન્દન વ્યાસ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરિયલના નિર્માતા આસિત મોદી, અરવિંદ શાહ, ઉદય શાહ, ચીમન મોતા, નાગજીભાઈ રીટા, કનૈયાલાલ જોશી, દિવ્યાંશુ દેસાઈ, નયના શાહ, નિશા શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કવિ મુકેશ જોશીએ કર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer