જિલ્લાકક્ષાની યોગાસન સ્પર્ધા યોજાઈ

જિલ્લાકક્ષાની યોગાસન સ્પર્ધા યોજાઈ
ભુજ, તા. 16 : બાળકો અને યુવાનોમાં યોગના આકર્ષણ અને જનજાગૃતિ અર્થે જિલ્લાકક્ષાની યોગાસન રમત-ગમત સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિજેતા થયેલાઓનો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સમાવેશ થશે.જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાએ ત્રણ સ્તરે યોજાનારી આ યોગાસન સ્પર્ધામાં જિલ્લાકક્ષાની સ્પર્ધા બે કેટેગરીમાં યોજાઈ હતી. જેમાં સિંગલ અને ગ્રુપમાં જુનિયર વર્ગમાં 9થી 14 વર્ષના જુનિયર છોકરા-છોકરી તથા સિનિયર વર્ગમાં 15થી 25 વર્ષનો સમાવેશ થતો હતો, જેમાં 15 જેટલા સ્પર્ધકો જોડાયા હતા. જેમાં જુનિયરમાં છોકરીમાં પ્રથમ ટીશ્યા પારેખ-ભુજ તથા છોકરામાં પ્રથમ હરીશ્ચંદ્ર રબારી-ખંભરા તેમજ સિનિયરમાં 15થી 25માં યુવતીમાં પ્રથમ હીના રાજગોર-ભુજ અને યુવકમાં પ્રથમ શૈલેશ સોઢા-ખંભરા વિજેતા જાહેર થયા છે. તેમજ આ સ્પર્ધામાં નીરવ, હિમાલય, કરિશ્મા, દુલારી, અવનિ, કાવ્યા, દિવ્યનો દેખાવ સારો રહ્યો હતો. ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયે રાજ્યકક્ષા અને એપ્રિલમાં દિલ્હી ખાતે રાષ્ટ્રીયકક્ષાની યોગાસન સ્પર્ધા યોજાશે.પતંજલિ યોગ સમિતિ-કચ્છ સંસ્થાની આ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલા બધા સ્પર્ધકોને સર્વ મંગલ આરોગ્યધામના ટ્રસ્ટી મધુભાઈએ આશીર્વાદ આપી દેશનું નામ રોશન કરવાની શીખ આપી હતી. પતંજલિ યોગ સમિતિ-કચ્છ જિલ્લા પ્રભારી ભરતભાઈ ઠક્કરના પ્રયાસોથી યોગ સ્પર્ધાનો સફળ કાર્યક્રમ યોજાયો હતો. યુવા પ્રભારી ભૂપેન્દ્રસિંહ સોઢાના હરિદ્વારના સંપર્કથી કાર્યક્રમ ગોઠવાયો હતો. કચ્છ જિલ્લા સમિતિના મહિલા પ્રભારી અને કાર્યક્રમના જજ લતાબેન વોરા, યોગ સ્પર્ધાના હેડ તેમજ કાર્યક્રમના જજ પૂર્વીબેન સોની, યોગ સ્પર્ધાના જજ અમૃતભાઈ સોની, કાર્યકર અરવિંદભાઈ આહીર, નારણભાઈ ઠક્કર કાર્યમાં જોડાયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer