ભુજમાં સફાઇ કોન્ટ્રાક્ટ ફરી ચર્ચામાં

ભુજમાં સફાઇ કોન્ટ્રાક્ટ ફરી ચર્ચામાં
ભુજ, તા. 16 : શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે અપાતો સફાઇ કોન્ટ્રાક્ટ હરહંમેશ ચર્ચામાં રહેતો આવ્યો છે, ત્યારે આ વખતે પણ બારાતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટ લેવાયા બાદ સ્થાનિક સુધરાઇના જ અમુક લોકોને ચલાવવા આપી દેવાયાનું ચર્ચાઇ રહ્યું છે. નવાઇની વાત તો એ છે કે, કોન્ટ્રાક્ટરે ખર્ચ બચાવવા તેના 50થી 60 સફાઇ કામદારોને ઓપનએર થિયેટરમાં રહેવા જગ્યા ફાળવી દીધી હતી. જો કે આ બાબતે કારોબારી ચેરમેન ભરતભાઇ રાણાનો સંપર્ક સાધતાં તેમણે અજાણતા દર્શાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં ઝોન મુજબ લાખોના ખર્ચે સફાઇના કોન્ટ્રાક્ટ અપાયા જેમાંથી બે ઝોન બહારના કોન્ટ્રાક્ટરને ફાળે આવ્યા હતા. જો કે, સૂત્રોએ શંકા વ્યક્ત કરતાં જણાવ્યું કે, માત્ર કોન્ટ્રાક્ટ જ બહારથી લેવાયો છે બાકી તમામ કામ નગરપાલિકાના જ અમુક કર્મચારીઓ દ્વારા ચલાવાય છે. જેથી વાહનો-સાધનો પણ સુધરાઇના જ વપરાતા હોય અને દર મહિને લાખો રૂપિયાની મલાઇ ખવાઇ જતી હોય તેવું સૂત્રોએ ઉમેર્યું હતું. ભુજમાં અનેક સ્થળે સફાઇની લોક ફરિયાદો ઊઠતી રહે છે, ત્યારે આવા પેટામાં કોન્ટ્રાક્ટ અપાય તે કેમ યોગ્ય કહેવાય. જો કામ અને કામદારોમાં પહોંચી ન શકતા હોય તો ટેન્ડર ભરવું જ શા માટે જોઇએ તેવો સવાલ જાગૃત ભુજવાસીઓ ઊઠાવી રહ્યા છે.આ કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાતો હોવાનું પણ સૂત્રોએ જણાવી ઉમેર્યું કે, લાખોના ખર્ચે અપાયેલા આ કામની યોગ્ય તપાસ થાય તો કેટલા કામદારો, ક્યાં કામ કરે છે કે નહીં તેમજ કેટલાં વાહનો વપરાય છે તે પાધરું થઇ જાય તેમ હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. સુધરાઇના સત્તાધિશો આ મુદ્દે તપાસ કરે અને વિપક્ષ પણ આ બાબતે જાગૃતિ દાખવે તો ભ્રષ્ટાચાર અટકી શકે તેવી લોકલાગણી ફેલાઇ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer