કર્તવ્યનિષ્ઠ વિદ્યાર્થીઓનું નિર્માણ કરવા શિક્ષકોને અનુરોધ

કર્તવ્યનિષ્ઠ વિદ્યાર્થીઓનું નિર્માણ કરવા શિક્ષકોને અનુરોધ
ભુજ, તા. 16 : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દર વર્ષે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીથી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી દરમિયાન સમગ્ર ભારતમાં કર્તવ્યબોધ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે કુનરિયા ખાતે યુવાદિન નિમિત્તે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ભુજ તાલુકા દ્વારા કર્તવ્યબોધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભુજ તાલુકા અધ્યક્ષ શામજીભાઇ કેરાશિયાએ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમની પૂર્વભૂમિકા સ્પષ્ટ કરી હતી. મુખ્ય વકતા મનોજભાઇ સોલંકી (ગ્રામ વિકાસ પ્રમુખ સૌરાષ્ટ્ર પ્રાંત)એ સેવાને અભારતીય શબ્દ ગણાવી કર્તવ્ય જ ભારતીય સમાજ અને સંસ્કૃતિનું અભિન્ન અંગ હતું તેવું કહ્યું હતું. તેમણે શિક્ષકોને પ્રકૃતિ શિક્ષણ અને મૂલ્ય શિક્ષણ આપી કર્તવ્યનિષ્ઠ વિદ્યાર્થીઓ નિર્માણ કરવા ટહેલ કરી હતી. લાલગિરિ બાપુએ બાળકોને સંસ્કારયુકત શિક્ષણ આપવા આહવાન કરી આશીર્વચન આપ્યા હતા. ત્યારબાદ ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશભાઇ પરમારે યુ.એન.એસ.સી.ના સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ પૈકી ગુણવત્તાયુકત શિક્ષણ આપવા માર્ગદર્શન આપ્યું હતું. સરપંચ સુરેશભાઇ છાંગાએ સર્વ સમાવેશી શિક્ષણ આપવા સૌ શિક્ષકોને સૂચન કર્યું હતું. આ તકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ ખેતશીભાઇ ગજરા, મંત્રી રમેશભાઇ ગાગલ, તાલુકા ઉપાધ્યક્ષ રાખીબેન રાઠોડ, સહમંત્રી હરેશભાઇ લીંબાણી, કાર્યાલય મંત્રી જયેન્દ્રભાઇ પરમાર, હિરેનભાઇ બારમેડા, ભુજ તાલુકા પૂર્વ બી.આર.સી. ભૂપેશભાઇ ગોસ્વામી, અનિરુદ્ધસિંહ જાડેજા, ભેમાભાઇ ચૌધરી સહિત તાલુકાના શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન તાલુકા સંગઠન મંત્રી મનન ઠક્કરે અને આભારવિધિ તાલુકા મંત્રી પ્રવીણ ચૌહાણે કરી હતી. કાર્યક્રમ દરમિયાન ભરતભાઇ ડાંગર અને કુનરિયા ગ્રામ પંચાયતનો સહયોગ પ્રાપ્ત થયો હતો,તેવું તાલુકા પ્રચાર પ્રમુખ ભરતભાઇ કામલિયાની યાદીમાં જણાવાયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer