ગાંધીધામમાં સાવિત્રીબાઈ ફુલે સમારંભ તળે 43 તેજસ્વી વિદ્યાર્થીનું કરાયું સન્માન

ગાંધીધામમાં સાવિત્રીબાઈ ફુલે સમારંભ તળે 43 તેજસ્વી વિદ્યાર્થીનું કરાયું સન્માન
ગાંધીધામ, તા. 16 : સંત રોહિદાસ સેવા સમાજ(ગુજરાત) ગાંધીનગર સૂચિત સંત રોહિદાસજી સેવા ટ્રસ્ટ દ્વારા  સંત શિરોમણી રોહિદાસની 643મી જન્મજયંતીની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. આ વેળાએ યોજાયેલા સાતમા સાવિત્રીબાઈ ફુલે સરસ્વતી સન્માન સમારંભમાં 43 તેજસ્વી તારલાઓને બિરદાવાયા હતા.કાર્યક્રમમાં દીપક ઝાલા (કાસેઝ આઈ.આર.એસ), ચુંવાળા પરગણા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ હરિભાઈ ચૌહાણ, સંત ત્રિકમસાહેબ સેવા સંઘ ગાંધીધામના પ્રમુખ ભરતભાઈ સોલંકી, ચુંવાળા પરગણા વિકાસ ટ્રસ્ટના મંત્રી  મહેશભાઈ પરમાર, સામાજિક કાર્યકર ચીમનભાઈ ઝાલા(અમદાવાદ), રમેશભાઈ  ચૌહાણ (ઘોઘાવદર), નારાયણભાઈ આસોડિયા, પુષ્પાબેન  આસોડિયા, હીરાભાઈ પરમાર  વગેરેની હાજરીમાં દીપપ્રાગટ્ય  કરાયું હતું. સાધ્વી જ્ઞાનગીતાજીએ પ્રભુજી તુમ ચંદન હમ પાની ભજન   રજૂ કર્યું હતું.કાર્યક્રમમાં ઉપસ્થિત  મહાનુભાવોનું  સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું હતું. સમાજના રાજદીપ, હિમાની, જાનવીએ ડો. બાબાસાહેબ આંબડેકરનો પ્રેરક સંદેશ રજૂ કર્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં બંસરી પરમારે રજૂ  કરેલી  ગણેશ વંદના કૃતિએ  આકર્ષણ જમાવ્યું હતું. સમારંભના અધ્યક્ષ દીપક ઝાલાએ  બાળકોને શિક્ષણ, સંસ્કાર સાથે લક્ષ ઊંચું રાખવા  તેમજ વિકાસના પથમાં સમાજને ઉપયોગી  થવા  અનુરોધ કર્યો હતો. તેઓએ જ્ઞાતિબંધુઓને  વ્યસન  મુક્તિના શપથ લેવડાવ્યા હતા. હરિભાઈ ચૌહાણે સમાજમાં એકતા બનાવી રાખવા શીખ આપી હતી. ભરતભાઈ સોલંકીએ  આર્થિક રીતે પછાત બાળકોને મેડિકલ, એન્જિનીયરના અભ્યાસક્રમમાં મદદ કરવાની ખાત્રી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે  ઈફકોના ડે. મેનેજર  કાન્તિભાઈ પરમાર, ચિત્રકૂટ એવોર્ડ-2020 વિજેતા દશરથભાઈ સોલંકીનું  સન્માન થયું હતું.કાર્યક્રમનું સંચાલન મણિલાલ પરમારે અને આભારવિધિ અરુણભાઈ ઓઘવિયાએ કરી હતી. આયોજનને સફળ બનાવવા માટે તમામ કાર્યકરોએ સહકાર આપ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer