બાળાઓના તમામ પ્રશ્નોનો ઉકેલ એક પ્રોજેકટ

બાળાઓના તમામ પ્રશ્નોનો ઉકેલ એક પ્રોજેકટ
માંડવી, તા. 16 : 13થી 23 વર્ષની યુવતીઓને જીવનની તમામ પરિસ્થિતિમાં સશકત અને સક્ષમ બનાવતો પ્રોજેક્ટ ત્રીના જીવનમાં આવતી તમામ અવસ્થાઓ જેવી કે બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, મુગ્ધાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા ખૂબજ મહત્ત્વની હોય છે. કિશોરાવસ્થા વટાવીને તરુણાવસ્થામાં પ્રવેશતાંની જ સાથે જ સંતાનોમાં વિશ્વના વિશાળ ગગનમાં ઉડવાની અને નભને આંબવાની અદમ્ય ઇચ્છા થઇ?આવે છે. આ સમયે માતા-પિતાઓને અનેક પ્રકારની ચિંતાઓ સતાવતી હોય છે. આવા પ્રકારની ચિંતાઓનું વનસ્ટોપ સોલ્યુશન છે સ્માર્ટ ગર્લ પ્રોજેક્ટ. જેને ભારતીય જૈન સંગઠન દ્વારા  પ્રોફેશનલની ટીમ રાખીને સંશોધન કરીને ઘડી કાઢવામાં આવ્યો છે.તાજેતરમાં જ માંડવી શેઠ  એસ.વી. આર્ટસ અને કોમર્સ કોલેજમાં ભારતીય જૈન સંગઠન દ્વારા માંડવી ઇન્નરવ્હીલ ક્લબ અને માંડવી કોલેજ મહિલા સેલના સહયોગથી સ્માર્ટ ગર્લ પ્રેજેક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના કચ્છના ટ્રેનર ભૈરવીબેન જૈનએ જણાવ્યું હતું કે, આ કોર્સ 2009થી ચલાવવામાં આવે છે જેનું નામ `એમ્પાવરમેન્ટ ઓફ ગર્લ્સ ટુ ફેસ સોશ્યલ ચેલેન્જ ઓફ 21 સેન્ચ્યુરી' હતું પરંતુ આજની જરૂરિયાતને ધ્યાને લઇને તેનું નામ `સ્માર્ટ ગર્લ ટુ બી હેપ્પી-ટુ બી સ્ટ્રોંગ' કરવામાં આવ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, હાલના સમયમાં તરુણો કરતાં તરુણીઓ માટે આ સ્થિતિ ગંભીર છે અને દિવસે ને દિવસે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થતી જાય છે. ત્યારે યુવતીઓને જીવનની તમામ પરિસ્થિતિઓમાં સશકત અને સક્ષમ બનાવે તેવા સ્માર્ટ ગર્લ પ્રોજેક્ટ થકી મુગ્ધાવસ્થામાં કોઇની જિંદગી અટવાય નહીં અને તેની સામે આવનારા પડકારોનો હિંમતપૂર્વક સામનો કરી શકે.આ આખો કોર્સ છ વિભાગોમાં વહેંચાયેલો છે, જેમાં સેલ્ફ અવેરનેસ, કમ્યુનિકેશન એન્ડ રિલેશનશીપ, મેનસ્ટ્રુએશન અને હાઇજીન, સેલ્ફ એસ્ટીમ, ચોઇસીસ એન્ડ ડિસીઝન, ફ્રેન્ડશિપ એન્ડ ટેમ્પેટેશન  વગેરેનો  સમાવેશ થાય છે. સમગ્ર પ્રોગ્રામ કે વર્કશોપના અંતમાં  તરુણીઓ દ્વારા મળેલા ફીડબેક તેમના માતા-પિતા સાથે વહેંચવામાં આવે છે. માતા-પિતાને પણ?વર્કશોપનો હિસ્સો બનાવી બે પેઢી વચ્ચેનું વૈચારિક અંતર દૂર કરી ભરોસો અને વિશ્વાસ સ્થાપન કરવાના પ્રયાસ આ પ્રોજેક્ટમાં કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં 4500થી વધુ યુવતીઓએ સમગ્ર ગુજરાતમાં અને દેશભરમાં અંદાજીત 6 લાખથી વધુ યુવતીઓ તાલીમબદ્ધ થઇ છે. માંડવી ઇન્નરવ્હીલ ક્લબના પ્રમુખ હેતલ ગણાત્રાએ પ્રોજેક્ટની માહિતી આપી હતી. કોલેજના આચાર્ય ડો. મહેશકુમાર બારડે એવો અનોખો કાર્યક્રમ કરવા માટે કોલેજની  પસંદ કરવા માટે આભાર માન્યો હતો. કાર્યક્રમના અંતિમ દિવસે ભાગ લેનાર વિદ્યાર્થિનીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer