મયંક અને ઋષભની ફોર્મમાં વાપસી

હેમિલ્ટન, તા. 16 : ભારત અને ન્યૂઝીલેન્ડ ઇલેવન વચ્ચેની ત્રણ દિવસિય પ્રેક્ટિસ મેચ ડ્રો રહી હતી. આ મેચ થકી ટીમ ઇન્ડિયાએ સારી બોલિંગ-બેટિંગનો લાભ લીધો હતો. મેચના આખરી દિવસે આજે ભારતે તેના બીજા દાવમાં 4 વિકેટે 2પ2 રન કર્યા હતા. ભારતીય ટીમ માટે રાહતના સમાચાર એ રહયા હતા કે ઓપનર મયંક અગ્રવાલે ફોર્મમાં વાપસી કરીને 81 અને વિકેટકીપર ઋષભ પંતે 6પ દડામાં 70 રનની આક્રમક ઇનિંગ રમી હતી. ભારતે આજે ત્રીજા દિવસની શરૂઆત વિના વિકેટે પ9 રનથી કરી હતી. પૃથ્વી શો 3પ રને નોટઆઉટ રહયો હતો. તે આજે વધુ 4 રન કરીને 39 રને આઉટ થયો હતો. શુભમન ગિલ (9) ફરી નિષ્ફળ રહ્યો હતો. તેની વિકેટ 82 રને પડી હતી. આ પછી મયંક અગ્રવાલ અને ઋષભ પંતે 100 રનની ભાગીદારી કરી હતી. મયંક 99 દડામાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાથી 81 રનની શાનદાર ઇનિંગ રમીને રિટાયર્ડ હર્ટ થયો હતો. જ્યારે પંત 6પ દડામાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાથી 70 રન કરીને આઉટ થયો હતો. બીજા વિકેટકીપર રિધ્ધિમાન સાહ 30 અને આર. અશ્વિન 16 રન કરીને નોટઆઉટ રહ્યા હતા. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ ઇલેવન સામેની આ અભ્યાસ મેચના પહેલા દાવમાં 263 રન કર્યા હતા. જેમાં હનુમા વિહારીના 101 અને ચેતેશ્વર પુજારાના 93 રન મુખ્ય હતા. ભારત તરફથી શમી, યાદવ અને બુમરાહે પણ બોલિંગમાં સારો દેખાવ કર્યો હતો. હવે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે તા. 21મીથી પહેલી ટેસ્ટનો પ્રારંભ થશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer