આઇપીએલ આરંભે 29 માર્ચે મુંબઇ-ચેન્નાઇની ટક્કર

નવી દિલ્હી, તા. 16 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 13મી સિઝનનો સત્તાવાર કાર્યક્રમ બીસીસીઆઇએ આજે જાહેર કર્યો છે. આઇપીએલ-13ની ઉદ્ઘાટન મેચ ચાર વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અને ત્રણ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે તા. 29 માર્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર રમાશે. ગયા વર્ષે આ બન્ને ટીમ વચ્ચે જ ફાઇનલ મેચ રમાઈ હતી અને મુંબઇ ઇન્ડિયન્સ ચેમ્પિયન બન્યું હતું. પ્રારંભિક મેચ બાદ બીજા દિવસે કિંગ્સ ઇલેવન પંજાબની ટક્કર દિલ્હી કેપિટલ સામે થશે. આ મેચ દિલ્હીમાં રમાશે. આઇપીએલની 13મી સિઝનની અંતિમ લીગ મેચ વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. આઇપીએલના પ્લે ઓફના મુકાબલા કયાં રમાશે તે હજુ સુધી જાહેર થયું નથી. આઇપીએલનો કાર્યક્રમ જાહેર થવા સાથે એ પણ નક્કી થઇ ગયું છે કે દિગ્ગજ એમએસ ધોનીની મેદાન પર તા. 29 માર્ચે વાપસી થશે. તે ચેન્નાઇ સુપર કિંગ્સનો કેપ્ટન છે. રિપોર્ટ અનુસાર ધોની સીએસકે ટીમ સાથે તા. 1 માર્ચ પછી જોડાશે અને પ્રેકટીસ શરૂ કરશે. ધોની છેલ્લે ગયા વર્ષે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સેમિફાઇનલમાં રમ્યો હતો. એ પછીથી મેદાન બહાર છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer