રવિવારે ભુજ તપ્યું; નલિયા ઠર્યું

ભુજ, તા. 16 : કચ્છમાં હજુ સવાર અને રાત ઠરે છે, પરંતુ દિવસ તપવા માંડયો છે. રવિવારે એકતરફ ઊંચા પારે 35.1 ડિગ્રી સેલ્સિયસ સાથે જિલ્લા મથક ભુજ 35.9 ડિગ્રીએ તપેલા સુરતને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું. તો બીજી તરફ પુન: પારો 10 ડિગ્રી નીચે સરકી જતાં 9.6 ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડું સ્થળ બની રહ્યું હતું. આમ આજે હવામાન મથકો પરથી મળેલા આંકડાઓએ રણપ્રદેશમાં હવામાનમાં વિષમતાની પરાકાષ્ટાની પ્રતીતિ કરાવી હતી. ભુજમાં કલાકના છ કિ.મી.ની ગતિ સાથે ઉત્તર-પૂર્વના પવનોને મચક નહીં આપતાં દિવસ દરમ્યાન સૂર્યના સામ્રાજ્યએ ઉનાળાની અસર બતાવવા માંડી હતી. જો કે, ઢળતી સાંજ પછી હવામાં ભેજનું પ્રમાણ 18 ટકા જેટલું ઓછું રહેતાં રાત્રે ઠંડીનો ચમકારો વર્તાયો હતો. દિવસે 12 વાગ્યા પછી તપેલું શહેરી જનજીવન રાત્રે 12 વાગ્યા પછી ઠર્યું હતું. આમ, અત્યારે અનુભવાતી બેવડી મોસમે આરોગ્ય પર અવળી અસર કરી છે. બીજી તરફ નલિયામાં પણ 33.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતાં અબડાસા પંથકના ગ્રામીણ જનજીવને દિવસે ગરમીનો અનુભવ કરવા માંડયો હતો. પરંતુ ન્યૂત્તમ તાપમાન 9.6 ડિગ્રી નોંધાતાં રાત્રે અને સવારે અબડાસાના ગ્રામીણો ઠારમાં ઠર્યા હતા. રાપરમાં 34 અને ખાવડામાં 33 ડિગ્રી સાથે વાગડ પંથક અને રણકાંધીનાં ગામડાં સૂર્યના તાપમાં તપ્યાં હતાં. માંડવીમાં 32 અને મુંદરામાં 34 ડિગ્રી તાપમાન નોંધાતાં કાંઠાળપટ્ટના જનજીવને ઉનાળુ અસર અનુભવી હતી. હવે શીતલહેરના એક ટૂંકા દોર બાદ રણપ્રદેશ તપવા માંડશે તેવો વર્તારો જાણકારો આપી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer