વીડીમાં બુટલેગરને પકડવા ગયેલા પોલીસ કર્મી ઉપર હુમલો

ગાંધીધામ, તા. 16 : અંજાર તાલુકાના વીડી ગામમાં આરોપીને પકડવા ગયેલા પોલીસ કર્મચારી ઉપર આરોપી અને તેના પરિવારજનોએ હુમલો કર્યો હતો. આ બનાવના પગલે પોલીસ બેડામાં ભારે દોડધામ થઈ પડી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ  આ બનાવ ગામના કોલીવાસમાં આજે સવારે 10 વાગ્યાના અરસામાં બન્યો હતો. આ મામલે હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મચારી દિલીપ ગાંડાભાઈ ચૌધરીએ આરોપી માવજી ઉર્ફે સારંગ રામજી કોલી, નંદુબેન માવજી કોલી, કપિલ માવજી કોલી અને માવજીની દીકરી સામે ફરજ રૂકાવટ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. આરોપી માવજી સામે અંજાર પોલીસ મથકે ગત તા. 15ના અંજાર પોલીસે આરોપીના રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો આથો ઝડપી પાડયો હતો. આ કાર્યવાહી  દરમ્યાન આરોપી નાસી ગયો હતો. આજે સવારે આરોપીની અટક માટે ફરિયાદી પોલીસ કર્મચારી સરકારી વાહનમાં વીડી ગયા હતા. આરોપી માવજી ઘરે હોતાં તેની પૂછપરછ કરતાં ગુનાની કબુલાત કરી હતી અને તેની અટક કરી પોલીસ મથકે લઈ જતા હતા. આ દરમ્યાન આરોપીએ બૂમાબૂમ કરી પરિવારજનોને બોલાવ્યા હતા.  પરિવારજનોએ સાહેદ પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરી હતી અને ફરિયાદી મોઢા ઉપર મુક્કો મારી નાસી ગયો હતો. આરોપીએ બીજીવાર પકડવા આવશો તો જીવતા નહીં જાઓ તેવું કહી ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા  ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કરાયાં છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer