બહુમાળી ભવનમાં ગટરની વકરતી સમસ્યાથી અરજદારો ત્રસ્ત

ભુજ, તા. 16 : શહેરની 100થી વધુ ઓફિસો જ્યાં આવેલી છે એવાં બહુમાળી ભવનમાં છેલ્લા લાંબા સમયથી ગટરની સમસ્યા અત્યંત વકરી જતાં અહીં કામ કરતા કર્મચારીઓ અને અરજદારો રીતસરના ત્રાહિમામ પોકારી ઉઠયા છે. વકરતી જતી સમસ્યા છતાં તેનું આજ દિવસ સુધી નિરાકરણ લાવવામાં જવાબદારો અસમર્થ દેખાઈ રહયા છે. બહુમાળી ભવન પાસેની મુખ્ય ગટરલાઈન વારંવાર ચોકઅપ થઈ જતાં જ્યારે પણ કામદારો શૌચાલયની સાફ સફાઈ કરવા આવે છે ત્યારે મુખ્ય લાઈન જ ચોકઅપ પડી હોવાના લીધે ગટરના પાણીનો નિકાલ જ ન થતો હોવાના કારણે સમસ્યા જસની તસ રહે છે ગંદાં દૂષિત પાણી ભરાયેલાં પડયાં રહેતા અહીં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ કામસર આવતા અરજદારોને ફરજિયાત મોઢે રૂમાલ બાંધીને જ પસાર થવું પડે છે. કેટલાક જાગૃત અરજદારોએ આ બાબતે પોતાનો બળાપો ઠાલવતાં કહયું કે ગટરની સમસ્યા એટલી હદે વકરી ગઈ છે કે હવે તેનું તત્કાળ નિવારણ લાવવું અસંભવ લાગી રહયું છે. અધૂરામાં પૂરું વોટરકૂલર પણ શૌચાલયવાળા ભાગમાં રખાયેલું હોવાના લીધે રોગચાળામાં સપડાવાનો સતત ભય સતાવ્યા રાખે છે. જવાબદાર તંત્રો સ્થિતિની ગંભીરતાને પારખી સમસ્યા નિવારવા પગલાં ભરે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer