રાપરમાં શહેરી ફેરિયાઓની ચૂંટણીમાં તમામ છ સભ્ય બિનહરીફ વરાયા

રાપર, તા. 16 : અહીંની સુધરાઈ દ્વારા ટાઉન વેન્ડિંગ કમિટીમાં શહેરી ફેરિયાઓની યોજાયેલી ચૂંટણીમાં બિનહરીફ વરણી થઈ હતી. સરકાર તરફથી નગરપાલિકા કક્ષાએ ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવા માટેની સૂચના અન્વયે નગરપાલિકા મુખ્ય અધિકારી મેહુલભાઈ જે. જોધપુરાના માર્ગદર્શન હેઠળ રાપર શહેર ફેરિયા સમિતિના સભ્યોની કમિટીની રચના કરાઈ છે. સરકારના પરિપત્ર મુજબ નગરપાલિકા, રાપર દ્વારા કમિટીની ચૂંટણી આ માટે યોજાઈ હતી. છ સભ્યોની કમિટીની રચના ચૂંટણી અન્વયે કુલ-8 ઉમેદવારી પત્રો ભરાયાં હતાં. તે પૈકી બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતાં કુલ-6 સભ્યોની કમિટી બિનહરીફ વિજેતા થયેલી હતી. જેમાં અનુ. જાતિ સામાન્યની બેઠક પર સોલંકી રાજા પૂંજા, શા.શૈ. પછાત બેઠક પર કોલી મેઘીબેન રમેશ, સામાન્ય મહિલા બેઠક પર દેવીપૂજક મીઠીબેન મેઘજી તથા બિનઅનામત સામાન્ય બેઠકો પર અનુક્રમે જાડેજા મંગલસિંહ દીપુભા ઠક્કર, મુરજી માદેવ અને માલી નાગજી લવજી બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા. ઉમેદવારોને નગરપાલિકાના પ્રમુખ ગંગાબેન રમેશભાઈ સિયારિયા, ઉપપ્રમુખ હઠુભા રાણાજી સોઢા, કારોબારી ચેરમેન કાનીબેન રામજીભાઈ પીરાણા, શાસક પક્ષના નેતા બળવંતભાઈ વી. ઠક્કર વિગેરેએ આવકાર્યા હતા.ચૂંટણી અધિકારી અરવિંદગીરી કે. ગોસ્વામી ઓડિટર નગરપાલિકા-રાપર દ્વારા કાર્યવાહી કરાઈ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer