નલિયામાં યોજાયેલા મેગા નિદાન કેમ્પમાં 330 દર્દીની તપાસ : 10ને શ્રવણયંત્ર

નલિયા, તા. 16 : અહીં વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાયેલા મેગા નિદાન કેમ્પમાં 330 દર્દીઓને તપાસી નિદાન કરાયું હતું. આંખ અને વિવિધ ઓપરેશન લાયક બાવન દર્દીઓના વિવિધ સ્થળે ઓપરેશન નિ:શુલ્ક કરી અપાશે. 10 જણને રાહતદરે  શ્રવણયંત્ર અપાયા હતા. નલિયા રેફરલ હોસ્પિટલ ખાતે નારાયણ સેવામંડળ ઘાટકોપર, ગાયત્રી પરિવાર (નલિયા), સુઝલોન, નવચેતન અંધજન મંડળ (માધાપર), લોહાણા મહાજન (નલિયા), કે.સી.આર.સી. (ભુજ) વગેરે સંસ્થાઓ દ્વારા યોજાયેલ નિદાન કેમ્પને રેફરલ હોસ્પિટલના તબીબ શ્રી સોલંકી, ડો. મનીષ ત્રિવેદી, નવચેતન અંધજન મંડળના કિશોરભાઈ, રમેશ સથવારાએ સંયુક્ત રીતે દીપપ્રગટાવી ખુલ્લો મૂક્યો હતો. પ્રારંભમાં ગાયત્રી પરિવારના હરેશ આઈયાએ સંસ્થાની પ્રવૃત્તિની વિગતો આપી વખતો વખત આરોગ્ય કેમ્પો યોજાય છે. કેમ્પમાં રાજકોટના ડો. જયસુખ મકવાણાએ 22 જણના જાલંધર પદ્ધતિથી દાંત કાઢી આપ્યા હતા. ફિઝિયોથેરાપીનો 25 જણે લાભ લીધો હતો. નવચેતન અંધજન મંડળ દ્વારા ફિઝિયોથેરાપી કરવામાં આવી હતી. એક્યુપ્રેસરની સેવાનો 32 જણે લાભ લીધો હતો. રાજકોટના ડો. જાગૃતિબેને સેવા આપી હતી. સુઝલોનના તબીબ ડો. મનીષભાઈ ત્રિવેદીએ 112 દર્દીઓને તપાસી અને તેમને દવા અપાઈ હતી. ત્રીરોગ, માનસિક રોગના 9 દર્દીઓને અદાણી હોસ્પિટલ ભુજ દ્વારા ફ્રી સારવાર આપવામાં આવશે. કે.સી.આર.સી. ભુજના ડો. સચિન ફીરકેએ 92 આંખના દર્દીઓને તપાસ્યા હતા. તે પૈકી બાવન જણ મોતિયો, વેલ, જામર, કીકીના ઓપરેશનો વિવિધ સ્થળે નિ:શુલ્ક કરી અપાશે. આ કેમ્પમાં હોસ્પિટલના ઘનશ્યામભાઈ, ગાયત્રી પરિવારના અશોક સોલંકી, સતાર ખોડનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે ખેતશી માસ્તર, લોહાણા મહાજનના સતીશ ઠક્કર નારાણજી ઠક્કર, અબ્દુલ્લ મેમણ વગેરે ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer