ભુજ કેલેજમાં છાત્રાઓ સાથે કૃત્ય સામે વિદેશ વસતા કચ્છીઓમાં રોષ

ભુજ, તા. 16 : અહીંનાસ્વામિનારાયણ મંદિર, ભુજ દ્વારા સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટયૂટમાં ભણતી છાત્રાઓને ઋતુધર્મ તપાસવા માટે બળજબરીપૂર્વક કપડાં ઊતરાવીને ચેકિંગ કરવાના પ્રકરણના પડઘા માત્ર દેશભરમાં જ નહીં, પરંતુ સાત સમંદર પાર વિવિધ દેશોમાં પણ પડયા છે. આ કૃત્યને બેહદ શરમજનક ગણાવતાં વિદેશોમાં વસતી લેવા પટેલ સમાજની 56 ઉચ્ચ શિક્ષિત યુવતીઓ, યુવાનો, મહિલાઓએ શિક્ષણ સંસ્થાના હીન કૃત્યમાં સંડોવણી ધરાવતા પ્રત્યેક સભ્યોને પાણીચું આપવાની માંગ કરી હતી.તમામ શિક્ષણ સંસ્થાઓના ધારાધોરણો નિયમોમાંથી રજસ્વલા છાત્રાઓ પર રૂઢિવાદી પ્રથા તળે મુકાતા નિયંત્રણોને તાત્કાલિક દૂર કરવાની માંગ પણ બળદિયા, કેરા, સૂરજપર, માધાપર, સામત્રા, દહીંસરા સહિત ગામોની વિદેશોમાં વસતી મહિલાઓએ ઉઠાવી છે.પીડિત છાત્રાઓને સમર્થન જાહેર કરતાં જયા ગાજપરિયા, ટીના પટેલ, દીપા ગાજપરિયા, વીણા મેપાણી, દેવેશ મેપાણી સહિત સભ્યોએ પોલીસ તપાસનાં પરિણામોની સમીક્ષા કરવાની ઈચ્છા દર્શાવી છે. આ ઋતુધર્મ-સંબંધિત રૂઢિવાદી પ્રથા સ્વામિનારાયણ ભગવાનના તત્ત્વજ્ઞાનની સમજણથી વિપરિત હોવાનું કહેતાં તમામ સભ્યોએ પ્રકરણની સ્વતંત્ર તટસ્થ તપાસની માંગ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer