માંડવી શહેરને સ્વચ્છ રાખવા ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા અપીલ

માંડવી, તા. 16 : અહીંની નગરપાલિકા દ્વારા ચાલતા સ્વચ્છતા અભિયાનમાં શહેરજનો તથા વેપારીઓને સહયોગ આપવા માંડવી ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા અપીલ કરાઇ છે. નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઇ શાહ અને તેમની ટીમ દ્વારા શહેર સ્વચ્છ રાખવા સફાઇ અભિયાન ચલાવાઇ રહ્યું છે અને દરરોજ ઘરોઘર અને દુકાનોમાં સૂકો અને ભીનો કચરો એકઠો કરવામાં આવી રહ્યો છે, પરંતુ અમુક શહેરીજનો તથા કે.ટી. શાહ રોડ પરના દુકાનદારો રાત્રે દુકાન બંધ કરતી વખતે રસ્તા પર જ કચરો ફેંકતો હોવાથી ગંદકી ફેલાય છે, તેના બદલે આ  વેપારીઓને  નગરપાલિકા દ્વારા અપાયેલા  ડસ્ટબીનનો ઉપયોગ કરી નગરપાલિકાના ટ્રેક્ટરોમાં કચરો આપવા અપીલ કરવામાં આવી છે.ચેમ્બર્સના પ્રમુખ વાડીલાલભાઇ દોશી, ઉપપ્રમુખ પારસભાઇ શાહ, માનદ્મંત્રી નરેન્દ્રભાઇ સુરુ, ખજાનચી ચંદ્રસેનભાઇ કોટક, જેન્તીભાઇ શાહ,  નવીનભાઇ બોરિચા, અરવિંદભાઇ ગાલા વગેરેએ શહેરીજનોને સ્વચ્છતા અભિયાનમાં સહકાર આપવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત પશુપાલકોને પણ પોતાના ઢોર ઘરે બાંધવા અપીલ કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer