ચુબડકના ગૌચર વિસ્તારમાં થાંભલા નાખી દબાણની રાવ

ચુબડક (તા. ભુજ), તા. 16 : અહીંના ગૌચર વિસ્તારમાં ગેટકો કંપની દ્વારા ગેરકાયદે દબાણ કરી થાંભલા ઊભા કરવામાં આવતા હોવાની ખુદ ચુબડક જૂથ ગ્રામ પંચાયત દ્વારા પોલીસ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના સરપંચ પારા જુમા આમદે પદ્ધર પોલીસ ઈન્સ્પેક્ટરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં આવતા ગામો વાવડી, સૈયદપર, ચુબડક, પખેરા અને ગંઢેર પાંચે ગામોમાં સરપંચ તરીકે ફરજ-કામ કરી રહ્યા છીએ. અમારો પશુપાલન તેમજ માલધારી વિસ્તાર છે. તે પાંચ ગામોમાં ગરીબ માણસો પોતાના પશુપાલનનું ચરિયાણ કરી પશુપાલનને પાળે છે અને રોજી રોટી કમાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.હાલમાં ગેટકો કંપની દ્વારા અમારા ગામના વિસ્તારમાં ગામ વાવડીથી કરી ચુબડક ગામ સુધી ચરિયાણ વિસ્તારમાં ગેરકાયેદસર રીતે દબાણ કરી સીમમાં ઊગેલા ઘાસ તેમજ ગૌચર જમીનને નુકસાન પહોંચાડી મીઠી ઝાડી ઉખેડી નુકસાન કરે છે અને ગેરકાયદેસર રીતે અમારા વિસ્તારની ગૌચર જમીનમાં મોટા મોટા વીજ થાંભલા ઊભા કરી ગુનો કરી રહ્યા છે. ઊલટાનું પવનચક્કીના કર્મચારીઓ ગ્રામજનોને ધાકધમકી આપતા હોવાની પણ સરપંચે ફરિયાદ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer