મુંદરાની કંપનીમાં 65 સ્થાનિક કામદારો નિયમિત

ભુજ, તા. 16 : મુંદરાની ખાનગી કંપની મહાશક્તિ કોક લિ.માં કામ કરતા સ્થાનિક કામદારોએ `કચ્છ લોકલ મજદૂર સંગઠન'ના સભ્ય બની લાંબા સમયની લડત બાદ સંગઠન અને કંપની વચ્ચે સમાધાન થતાં અંતે યુનિયનના તમામ 65 કામદારો નિયમિત થયા છે.  જે-તે સમયે આ સંસ્થાના કામદારોએ યુનિયન સમક્ષ પોતાના થતા અનેકવિધ શોષણ અને હેરાનગતિની જે ફરિયાદો કરી તે મુજબ આ યુનિયનના પ્રમુખ નાગશીભાઈ વી. નોરિયા, કંપનીના કર્મચારીઓ તથા યુનિયનના સભ્યો સાથે વિગતે ચર્ચા-વિચારણા કરી અને કંપની સમક્ષ અગત્યની માગણીઓ રજૂ કરી, પરંતુ કંપનીએ કોઈ ધ્યાન ન આપતાં યુનિયને મે, 2018માં મદદનીશ શ્રમ આયુક્ત (કેન્દ્રીય), ગાંધીધામ-કચ્છ સમક્ષ ફરિયાદ કરી હતી. જેની કાર્યવાહી પંકજ દહિયા, મદદનીશ શ્રમ આયુક્ત (કેન્દ્રીય) સમક્ષ ચાલી હતી અને તેમની દરમ્યાનગીરીથી યુનિયનની કામદારોની વિવિધ માગણીઓ માટેની લડતને સફળતા મળી, પરિણામે કચ્છ લોકલ મજદૂર સંગઠન યુનિયન અને મહાશક્તિ કોક લિ. વચ્ચે તા. 3/2/2020ના સમાધાન થયું છે. આ સમાધાન મુજબ યુનિયનના તમામ 65 કામદારો જેમને મોમાઈ કૃપા લેબર સપ્લાયર્સના કોન્ટ્રાક્ટમાં વર્ષ 2009થી કોન્ટ્રાક્ટ કામદારો તરીકે રખાયા હતા તેમને તેમની વર્ષ 2003થી કંપનીમાં દાખલ થયા તારીખથી કંપનીના રોલ ઉપર નિયમિત કરવામાં આવ્યા છે. જે કોન્ટ્રાક્ટ કામદારોના હિતમાં એક અભૂતપૂર્વ સફળતા છે. કોન્ટ્રાક્ટના રોલ પરથી કંપની રોલ પર લેવામાં આવેલા તમામ કામદારોને પાછલી અસરથી નિયમિત કરવા માટેના કંપનીએ નિમણૂક પત્રો તથા ઓળખકાર્ડ પણ ઈશ્યૂ કરી આપ્યા છે. અગાઉ કચ્છ લોકલ મજદૂર સંગઠનની લડતના કારણે આ કંપનીને તમામ કામદારોને લઘુતમ વેતન ધારાના કેન્દ્ર સરકારના ધારાધોરણ પ્રમાણે પગાર  અપાવવામાં સફળતા મળી છે અને તાજેતરમાં યુનિયનના કંપની સાથે લાંબી લડત પછી થયેલા સમાધાન મુજબ કોન્ટ્રાક્ટના રોલ ઉપર દર્શાવેલા કામદારોને તેમની ખરેખરી નિમણૂક થયા તારીખથી પાછલી અસરથી કંપની રોલ ઉપર નિયમિત કરી અને તમામ કામદારોના બેન્ક ખાતાઓમાં પગાર ચૂકવવાનું શરૂ કર્યું છે, આથી તમામ કામદારોમાં હર્ષની લાગણી વ્યાપી છે.આ લડતમાં યુનિયનના હોદ્દેદારોમાં પ્રમુખ નાગશીભાઈ ઉપરાંત ઉપપ્રમુખ નારાણભાઈ રોશિયા, હરેશભાઈ સંજોટ તથા યુનિટના હોદ્દેદારો વિજયવન ગોસ્વામી (તાલુકા પ્રમુખ), ખેતશીભાઈ ખમુભાઈ (તાલુકા ઉપપ્રમુખ) અને કાનૂની સલાહકાર ડી. એચ. મહેશ્વરી (એડવોકેટ)એ યોગદાન આપ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer