અંજારના પૂર્વ પ્રાથમિક વિભાગમાં દાદા-દાદી પણ વિવિધ રમતો રમ્યા

અંજાર, તા. 16 : અંજાર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા શૈશવ (પૂર્વ પ્રાથમિક વિભાગ) દ્વારા ચોથા ગ્રાન્ડ પેરેન્ટસડેની ઉજવણી કરાઈ હતી, જેમાં 115 વડીલોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થિનીઓ દ્વારા તિલક કરી તમામ ટ્રસ્ટીઓ અને મહેમાનોનું સ્વાગત કરાયું હતું.પ્રમુખ ચંદ્રકાંતભાઈ પલણ, મંત્રી પ્રફુલ્લભાઈ પંડયા, કેમ્પસ કોઓર્ડિનેટર ડો. શિલ્પાબેન ભટ્ટ તેમજ મંચસ્થ મહેમાનોએ દીપ પ્રાગટય કર્યું હતું. શરૂઆત પ્રમુખ શ્રી પલણના સ્વાગત પ્રવચન બાદ નર્સરીનાં ભૂલકાઓ દ્વારા નૃત્ય રજૂ કરાયું હતું. શિક્ષિકા આશાબેન ગુંસાઈએ દાદા-દાદી વિશેનાં મંતવ્યો રજૂ કર્યાં હતાં.વડીલો માટે પાસિંગ ધ બોલ રમતનું આયોજન કરાયું હતું, તેમાં વિજેતા ત્રણ વડીલો માટે અન્ય એક રમત દોરીમાં ગાંઠ કોણ વધારે મારી શકે, આમ વિવિધ રમતો રમાડવામાં આવી હતી. બાળકોએ મૂંછોવાલે દાદા... ગીત પર નૃત્ય રજૂ કરી વાહ-વાહ મેળવી હતી. દાદા-દાદી માટે જૂની ફિલ્મોનાં ગીતનું સંગીત ઓળખવું, આસોપાલવનાં તોરણ બનાવવા વગેરે જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. વિજેતાઓને પ્રતીક ભેટ અપાઈ હતી. કોઓર્ડિનેટર ડો. ભટ્ટે શૈશવ પરિવાર અને શૈશવ પૂર્વ પ્રાથમિક શાળાની શિક્ષણ, કેળવણી અને ભણતર સાથે ગમ્મત કેળવણીની શૈલી વિશે દરેક દાદા-દાદીને સંબોધ્યા હતા.ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીઓ દ્વારા ઉંગલી પકડ કે તેરી... કૃતિ રજૂ કરાઈ હતી. વડીલો ચંદ્રકાંતભાઈ, કાંતિલાલભાઈ, દિનેશભાઈ, ભરતભાઈ, દામજીભાઈ, વિનોદભાઈ વગેરેએ રોકડ પુરસ્કારથી પ્રોત્સાહિત કર્યા હતા. સંચાલન ભાવિબેન ધોળકિયાએ જ્યારે આભારવિધિ શૈશવના આચાર્ય સ્નેહાબેન મહેતાએ કર્યા હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer