હીણપતભરી ઘટનામાં કાયદાનો કોરડો વિંઝાયો

હીણપતભરી ઘટનામાં કાયદાનો કોરડો વિંઝાયો
ભુજ, તા. 14 : ઉભયપક્ષોની પરસ્પર માફામાફી અને સમાધાન જેવા માહોલ થકી ઘટના ઉપર ઢાંકપીછોડો કરી દેવાના વ્યાપક કહી શકાય તેવા પ્રયાસો ફળ્યા નથી. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે હીન અને હિચકારી કહી શકાય તેવી ઘટનાના પડેલા ઘેરા પ્રત્યાઘાતને લઇને અત્રેની ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટ કોલેજના મામલામાં અત્યંત ગંભીરતા સાથે તપાસ હાથ ધરાતાં ત્રણ જવાબદારને ફરજમોકૂફ કરવા સાથે આચાર્યા સહિતની ચાર મહિલાઓ સામે વિધિવત ફોજદારી ગુનો નોંધાયો હતો. અત્યંત ગંભીર એવાં આ પ્રકરણમાં લેખિત ફરિયાદ ન હોવા છતાં રાજ્ય મહિલા આયોગે સ્થિતિ પારખી તપાસના આદેશો આપ્યા બાદ જિલ્લાનું વહીવટી અને પોલીસ તંત્ર પણ મેદાનમાં આવીને છાનબીનમાં પરોવાયા બાદ પ્રકરણને કાયદાકીય સ્વરૂપ અપાયું હતું. ભારે ચકચારી બનેલા આ પ્રકરણમાં રાજ્ય મહિલા આયોગના આદેશ બાદ હરકતમાં આવેલી પોલીસે પ્રાથમિક છાનબીન બાદ ભોગ બનનારી એક વિદ્યાર્થિનીની ફરિયાદ લઇને સમગ્ર બનાવના મામલે આજે સાંજે ફોજદારી ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયુટ (કોલેજ)ના આચાર્યા રીટાબેન રાણીંગા અને કોઓર્ડિનેટર અનિતાબેન, ગૃહમાતા રમીલાબેન ઉપરાંત પટ્ટાવાળા નયનાબેનને આરોપી બતાવાયા છે. ભુજ શહેર એ ડિવિઝન પોલીસે આ ગુનો દાખલ કર્યો છે. પોલીસ સૂત્રોએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, માસિક ધર્મની તપાસણી માટે બળજબરી સાથે કપડાં ઊતરાવીને ફરિયાદી તથા અન્ય છાત્રાઓના ગૌરવ અને માનનો ભંગ કરાયો હોવાનો આરોપ મુકાયો છે. તહોમતદારો સામે ભારતીય દંડસંહિતાની કલમ 355, 384, 506, 104 અને મદદગારીની કલમ 114 લગાડવામાં આવી છે. ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર સંચાલિત શહેરમાં મિરજાપર રોડ ઉપર કાર્યરત આ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતી સંસ્થાના છાત્રાલયની છાત્રાઓ માસિક ધર્મનું પાલન કરે છે કે કેમ તેની ચકાસણી માટે કોલેજમાં તેમનાં વસ્ત્રો ઉતરાવવા સહિતના આ કિસ્સાની તપાસ માટે કચ્છ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. દર્શનાબેન ધોળકિયાના વડપણ હેઠળ ત્રણ સભ્યોની સમિતિ રચી તેને તપાસ માટે મોકલાઇ હતી. આ સમિતિએ સ્થાનિકે ધસી જઇ છાત્રાઓ અને અન્ય સંબંધિતોને મળીને વિદ્યાર્થિનીઓના ગૌરવ હનનની વાત સત્ય હોવાનું તારણ શોધી કાઢ્યું હતું અને સ્ત્રીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડતી આ ઘટના માટે કોલેજના આચાર્યા, વોર્ડન અને દેખરેખકર્તા (કેરટેકર) જવાબદાર હોવાનો નિષ્કર્ષ કાઢ્યો છે. સમિતિએ તેનો આ મૌખિક અહેવાલ જિલ્લાના કલેક્ટર પ્રવીણા ડી.કે.ને આપ્યો છે. તો લેખિતમાં પણ આ અહેવાલ સમાહર્તા દ્વારા મંગાવાયો છે. જે સત્તાવાર રીતે મોકલી અપાયો છે. સમગ્ર પ્રકરણની ગંભીરતા જોઇ જવાબદાર બતાવાયેલાં આચાર્યા અને વોર્ડન તથા કેરટેકરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરી દેવાની સૂચના પણ જિલ્લાના વહીવટી તંત્રના વડાના સ્તરેથી અપાઇ ચૂકી છે. જેનો અમલ સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટ દ્વારા કરી નખાયો છે. જેને લઇને એકબાજુ ગંભીર પ્રકરણમાં ખાતાંકીય પગલાં બાદ બીજીબાજુ ફોજદારી રાહે પણ કામ હાથ ધરાય તેવો માહોલ જામ્યો છે. દરમ્યાન આમ તો બુધવારથી ગણગણાટના સ્વરૂપમાં અને ગઇકાલે ગુરુવારે ફરિયાદના સ્વરૂપમાં સામે આવેલા આ કિસ્સામાં કોલેજના મહિલા આચાર્યા દ્વારા માફી માંગી લેવામાં આવી છે, તો ટ્રસ્ટીઓ દ્વારા પણ તેઓ કન્યાઓ સાથે હોવાનો મત વ્યક્ત કરાયો છે. આ રીતના માફામાફીના માહોલ વચ્ચે પ્રકરણના પડઘા પ્રચાર માધ્યમો થકી રાષ્ટ્ર અને રાજ્ય સ્તરે પડયા છે. તેમાંયે વળી ગઇકાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કચ્છમાં હોવાથી તેમના સુધી પણ પહોંચેલી ફરિયાદો અને રજૂઆતો બાદ તેમની સૂચનાના પગલે વહીવટી અને પોલીસ તંત્ર સહિતનાઓ હરકતમાં આવીને તપાસમાં પરોવાઇ ચૂક્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે પણ તેમની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે રીતનો ઘટનાક્રમ સામે આવી રહ્યો છે તે અયોગ્ય છે. શિક્ષણતંત્ર આના મૂળ સુધી પહેંચીને યોગ્ય પગલાં લેશે. આ સમગ્ર માહોલ અને સંબંધિતોના આકરાં તેવર જોતાં આગામી કલાકોમાં જડબેસલાક પગલાંના ધડાકા સાંભળવા મળે તેવી સંભાવના જોવાઇ રહી છે.જ્યારે રાજ્યના મહિલા આયોગે પણ ફરિયાદ મળવાની રાહ જોયા વગર તેની રીતે તપાસમાં લાગી જવાનો નિર્ણય કરાયો છે. આયોગના ચેરમેનના આદેશથી પ્રતિનિધિ મંડળે ભુજ ધસી આવવાની તૈયારીઓ આરંભી છે. તો આયોગના અહેવાલ માંગવા સાથેના આદેશ બાદ પોલીસતંત્ર પણ હરકતમાં આવ્યા પછી આજે સવારે અને સાંજે બે વખત પોલીસ ટુકડીએ કોલેજમાં દોડી જઇને કાર્યવાહી કરી હતી. ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત મહિલા ઇન્સ્ટિટયૂટ ખાતે કન્યાઓનું સ્વાભિમાનભંગ કરતી ઘટના અંગે મંદિર તેમજ સમાજ સાથે સંકળાયેલા અનેક અગ્રણીઓનો સંપર્ક કર્યો, પણ અમુકના ફોન જ બંધ આવ્યા તો અમુકે કંઇપણ કહેવાનો અથવા તો બનાવથી જ અજાણતા વ્યક્ત કરી. દરમ્યાન મંદિરના ટ્રસ્ટી જાદવજીભાઇ ગોરસિયાનો સંપર્ક સાધતાં તેમણે ઘટનાને વખોડી હતી. તેમને જ્યારે સવાલ કરાયો કે, છાત્રાઓની તપાસ કરવા સંચાલકોને મંદિરમાં સંતો કે, અન્ય કોઇએ સૂચના આપી હતી કે કેમ ત્યારે તેમણે જણાવ્યું કે, એવી કોઇ સૂચના નહોતી. જોકે, દીકરીઓ જે પ્રમાણે કહેશે તે પ્રમાણે જવાબદારો સામે પગલાં ભરવા તૈયારી હોવાનું ઉમેર્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer