ભણતરને ધર્મ સાથે શા માટે જોડાય છે ?

ભણતરને ધર્મ સાથે શા માટે જોડાય છે ?
ભુજ, તા. 14 : કચ્છમાં લેવા પટેલમાં એક સમયે મોટી ક્રાંતિ લાવીને શિક્ષણ ક્ષેત્રે કન્યા કેળવણીનો પાયો નાખનારા કચ્છ લેવા પટેલ સમાજના વર્ષો સુધી પ્રમુખ રહી ચૂકેલા આર. આર. પટેલે સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટમાં ભણતી છાત્રાઓના પિરિયડની તપાસ કરવાની ઘટનાને શર્મનાક ગણાવીને સ્પષ્ટ કહ્યું કે, હજુ પણ આપણે જૂનવાણી વિચારોમાંથી બહાર નથી આવતા. આ માટે ભુજ મંદિરના સંતોની રૂઢિવાદી નીતિ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. ભુજની મહિલા કોલેજના આ પ્રકરણના પ્રત્યાઘાત રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે પડયા છે ત્યારે સમાજ માટે પોતાની જાત ઘસાવીને દાયકાઓ પહેલાં જેમણે કન્યા કેળવણીની શરૂઆત કરી હતી એ પૈકીના પાયાના પથ્થર એવા રામજી રવજી વરસાણીએ કચ્છમિત્ર સાથે વાત કરતાં  વ્યથિત હૈયે કહ્યું કે, આપણું કામ ભણાવવાનું છે. ભણતરને ધર્મ સાથે શા માટે જોડવામાં આવે છે ? લેવા પટેલ સમાજના એજ્યુ. એન્ડ મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ રહી ચૂકેલા તેમણે સ્પષ્ટ શબ્દોમાં વખોડતાં કહ્યું કે, ખુદ સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે નિયમો, દેશ, પરિસ્થિતિ બધું જ સમયની સાક્ષી રાખીને ચલાવવામાં આવે, તેમ છતાં હજુ પણ રૂઢિને પકડી રાખવાનું કામ થઈ રહ્યું છે, તેને આ ઘટનાએ સાબિત કરી બતાવ્યું છે. ભૂતકાળમાં ચોખ્ખાઇ, સાધનોનો અભાવ જેવાં અનેક કારણો હતાં. આગળ જતાં બદલાવ જરૂરી છે. ટેસ્ટ ટયૂબના જમાનામાં આવી હરકત એ ત્રી સન્માનને ઠેસ પહોંચાડે છે, તેવું શ્રી પટેલે કહ્યું હતું. 1988 અને '90ના દાયકાની વાત કરતાં વયોવૃદ્ધ આગેવાને જણાવ્યું કે, અમે જ્યારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા ભુજમાં કન્યા શાળાની શરૂઆત કરી ત્યારે માત્ર 28 છોકરીઓ હતી. ધીમે ધીમે 1400 પર સંખ્યા થઇ ગઇ હોવાની યાદ અપાવી હતી. જ્યારે શાળા શરૂ કરી ત્યારે પણ સંતોને આ જ મુદ્દે વાંધો હતો અને માસિક ધર્મ પાળવાના નિયમોનું પાલન કરાવવા અમારા ઉપર દબાણ કરાયું, ત્યારે પણ અમે વશ ન થયા અને વિરોધ થયો હતો એ ઘટનાને હું ભૂલ્યો નથી.અમારી સામે ત્યારે પણ ખૂબ જ અપપ્રચાર થયો. અમે કહ્યું કે, છોકરીઓને ભણાવવાનું કામ આપણું છે. જે તે વખતે આખા લેવા પટેલ સમાજમાં આઠથી 10 છોકરીઓ શિક્ષણમાં આગળ?હતી. હજુ આ તરુણીઓ છે. સ્વચ્છતા હોવી જોઇએ એમાં વાંધો ન હોય પણ નિયમો ઠોકીને બેસાડવા એ યોગ્ય નથી.અમે આ વાતમાં સંમત ન થતાં હરીફાઇમાં જ આ સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટ શરૂ થઇ છે અને અમારી સામે ઓરમાયું વર્તન રાખવામાં આવ્યું હોવાની વાત સમાજના સન્માનનીય વડીલે કરી હતી.જ્યારે સ્કૂલની સ્થાપના કરી તે વખતના પ્રમુખ વી. કે. પટેલ હતા. હું મંત્રી હતો એ વાતની યાદ અપાવતાં ભુજ સ્વામિનારાયણ મંદિરમાં ટ્રસ્ટી રહી ચૂકેલા આર.આર. પટેલે એવો પણ આક્ષેપ કરતાં કહ્યું કે, આજની તારીખે   ઇન્સ્ટિટયૂટમાં નિયમો પાળવાના મુદ્દે ખૂબ જ દબાણ કરવામાં આવે છે. અમે ઊંડા ઊતરતા નથી, પણ લોકજાગૃતિ જરૂરી છે. તો જ સમાજમાં સાચી સુધારણા અને ક્રાંતિ આવશે. આ બનાવે તો આ ઉંમરે  મને ભારે દુ:ખ પહોંચાડયું છે.ભાષણોમાં સુધારાવાદની વાતો કરતા હોય ને આપણા ધર્મના વડા આ પ્રકારનો ભેદભાવ અને જૂના નિયમોને વળગી રહે તો બદલાવ કેમ આવશે ?માસિક દરમ્યાન મંદિરમાં ન જવું, ભગવાનની મૂર્તિને ન અડવું આ બધું જ એક ત્રી જ્યારે ધર્મમાં હોય ત્યારે જાણે છે, પણ એક અભ્યાસ કરનારી છાત્રાનાં કપડાં ઉતારીને માસિક ધર્મમાં છે કે નહીં એ ચકાસવાનું કામ થયું છે એ વાતથી દરેકનું માથું શરમથી ઝૂકી જાય છે, એવું તેઓએ જણાવ્યું હતું. તેમણે વર્ષો પહેલાંની  વાત પર પ્રકાશ પાડતાં કહ્યું કે, જ્યારે ત્રીને માસિક આવે એ હકારાત્મક પાસું છે. ભવિષ્યમાં માતા બની શકે છે ને આ એક કુદરતે આપેલી હકારાત્મક ભેટ છે. આ ઘટનાને પગલે  પ્રિન્સિપાલ સહિત ત્રણ મહિલાને સસ્પેન્ડ કરી દેવાઇ છે, એ સવાલ કરાતાં કહ્યું કે, એમાં સ્ટાફનો કોઇ વાંક ન હોય, નીતિ બનાવનારા જવાબદાર હોય છે અને તે છે સંતો અને મંદિર ખુદ. માત્ર ધર્મ સાથે જોડીને અર્થઘટન ખોટું કરવાની પ્રથા બદલવાની જરૂર છે. મેં અગાઉ વિરોધ કર્યો ને તેનો ભોગ બન્યો છું. વાલીઓ પણ અમારી સાથે સહમત હતા એટલે સાચી વાત કરવામાં હું મક્કમ છું, એમ અંતમાં કહ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer