કંકુ છાંટી લખાયેલી કંકોતરીથી માંડી આખાય વિવાહની થીમ ઈકો ફ્રેન્ડલી...

કંકુ છાંટી લખાયેલી કંકોતરીથી માંડી આખાય વિવાહની થીમ ઈકો ફ્રેન્ડલી...
કિશોર ગોર દ્વારા-  ભુજ, તા. 14 : કંકુ છાંટી કંકોતરી મોકલજો, માથે લખજો બેનીબાનું નામ... પરિવારના આંગણે માડવો મંડાવવાનો હોય તેવી જો લગ્નની કંકોતરી ઘરે આવે અને એ કંકોતરીમાં બેનીબાના નામવાળી આ કંકોત્રી જાણે આપણા આંગણે આવીને તુલસી વિવાહની જેમ તુલસીના રોપા રૂપી ઊગી નીકળે તો ? હા, સમય વર્તે સાવધાનની જેમ આજના મોડર્ન યુવક-યુવતીઓ અર્વાચીન પર્યાવરણને ધ્યાને લઈ `તુલસી'વાળી અનોખી ઈકો ફ્રેન્ડલી કંકોતરી તો તૈયાર કરી પણ આખાય લગ્નને થીમ આપી ઈકો ફ્રેન્ડલી... રવિવારે જેનાં લગ્ન થવાના છે તે ભુજના મીંઢોળ બાંધેલા વરરાજા આલોક વિનોદભાઈ ઠક્કરે `કચ્છમિત્ર' ભવનના પગથિયાં ચડીને કહ્યું કે, અંકલ મેં મારા પરિણયને યાદગાર બનાવવા અને વર્તમાન સુધારાના ભાગરૂપે ઈકો ફ્રેન્ડલી વેડિંગનું આયોજન ભુજોડીના એક રિસોર્ટ ખાતે કર્યું છે. લગ્નનાં આમંત્રણ માટેની કંકોતરીથી ઈકો ફ્રેન્ડલી શરૂઆત કરી છે. જેમાં `ઝાડ કાપીને કંકોતરી બનાવવાના બદલે કંકોતરીમાંથી ઝાડ ઉગાડાશે.' આ આગવી પહેલ માટે રિસાઈકલ પેપર જેમાં તુલસીનાં બીજ વણાયેલા છે. તો તેની પરણેતર અંજલિની કંકોતરી શ્વશુર રાજીવભાઈ રામાણીએ `હજારીના ફૂલના બીજ'વાળી પસંદ કરી છે. ભલે આ પત્રિકા થોડી મોંઘી થાય પણ તેમાંથી કંઈક ઉપયોગ થાય તેવા વિચાર સાથે કંકોતરીની પાછળ ચિત્ર સાથે સૂચના લખાઈ છે કે કંકોતરીને 24 કલાક ગરમ પાણીમાં પલાળ્યા બાદ કુંડામાં વાવી પાણી સીંચવાથી છોડ ફૂટશે તેવું તેમણે જણાવ્યું હતું. કંકોતરી પરનાં લખાણ અને ચિત્ર માટે વપરાયેલી શાહી ઓર્ગેનિક રંગોથી બનાવાઈ છે. ઈકો ફ્રેન્ડલીને ચરિતાર્થ કરવા વધુમાં જણાવાયું છે કે, ભેટ પ્લાસ્ટિકના રેપર કે થેલીમાં લાવવાની નથી. કોઈ પ્લાસ્ટિકમાં વીંટીને ગિફ્ટ લઈ આવશે તો હાથ જોડીને ના પાડવામાં આવશે. કુદરતને નુકસાન થાય તેવું કશું જ ન વાપરવાના સંકલ્પને આગળ ધપાવતાં માંડવાના ડેકોરેશનમાં પણ પ્લાસ્ટિક કે ડિસ્પોઝેબલ કોઈ વસ્તુ નહીં વપરાય, માત્ર કુદરતી વસ્તુઓથી શૃંગાર સજાવાશે. ભોજન સમારંભમાં પણ પ્લાસ્ટિક ડિશ વગેરેનો નિષેધ રહેશે. આઈક્રીમ ખાવાની ચમચી તરીકે ચોકલેટ ફ્લેવરની એડિબલ સ્પૂન અપાશે, જે આઈક્રીમ જોડે ખાઈ જવાની. વાનગીઓમાં પણ કુદરતી રંગ અને મર્યાદિત તેલનો વપરાશ થશે, તો વિશેષ વાત એ રહેશે કે, બગાડ ઓછો થાય તે માટે વાનગીઓ મર્યાદિત રખાઈ છે. આમંત્રિતોને આવી બધી વિગતોની જાણ રિસાઈકલ પેપરના ચાર્ટ પેપર ઉપર લખીને સહયોગ માટે અનુરોધ કરાશે. લગ્નના પ્રસંગને ધૂમધડાકા સાથે ઊજવવાથી વાતાવરણમાં પ્રદૂષણ થતું હોવાથી તેનો તેમજ સ્ટેજ ઉપર ફાયર વર્ક્સ નહીં વપરાય. ડેકોરેશનમાં ઈલેક્ટ્રીસિટીનો વપરાશ ઓછો થાય તે માટે એલ.ઈ.ડી. લગાવાશે. મહેમાનોના ઉતારાના રૂમમાં `સેવ વોટર અને સેવ ઈલેક્ટ્રીસિટી' તેમજ `ડોન્ટ વેસ્ટ ફૂડ' જેવા સૂત્રો લગાવાશે. મહેમાનગતિમાં સોપારીનાં પાંદડાંથી બનેલી પ્લેટમાં ફૂડ કિટ રૂપે ફ્રૂટ અને ડ્રાયફ્રૂટ કાપડના પેકિંગમાં મુકાશે. આ ઈકો ફ્રેન્ડલી વેડિંગ તા. 16મીએ બપોરે યોજાશે, તેવું આલોકે કહ્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer