ખરાઈ વિના સંદેશાઓ આગળ ન મોકલો

ખરાઈ વિના સંદેશાઓ આગળ ન મોકલો
ગાંધીધામ, તા. 14 : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સાયબર ક્રાઈમ અંગે જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેપારી એસો., વરિષ્ઠ નાગરિકો, કામદારો, વિદ્યાર્થીઓ, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.સાયબર ક્રાઈમ અંગે માહિતી આપતાં આ કાર્યક્રમમાં નિવૃત્તિ નિધિનાં નાણાં કોઈ ઠગ કંપનીમાં જમા નહીં કરાવવા અનુરોધ કરાયો હતો. આ સંદર્ભે અગાઉ બની ચૂકેલા બનાવો અંગે જણાવતાં કહેવાયું હતું કે, લોભામણી સ્કીમોમાં નહીં પડવા તથા આ ઠગબાજો કેવી રીતે વરિષ્ઠ નાગરિકોના પૈસા પડાવી લેતા હોય છે તેની સમજ આપવામાં આવી હતી. વરિષ્ઠ નાગરિકોએ પોતાનાં બાળકો, પૌત્રો મોબાઈલ, વેબસાઈટ ઉપર શું કરે છે તેનું ધ્યાન રાખવું તેમજ બાળકો પોર્નોગ્રાફીનો ભોગ તો નથી બની રહ્યા ને, તેનું ખાસ ધ્યાન રાખવા જાણકારી આપવામાં આવી હતી.આ વર્તમાન ડિજિટલ યુગમાં યુવાનોએ નેટ ઉપર વોલેટ વાપરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે તથા ઠગબાજોની નવી મોડસ ઓપરેન્ડી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઓ.એલ.એક્સ. જોબ, નોકરી, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ઈ-મેઈલના પાસવર્ડ તરીકે તમારા મોબાઈલ નંબર ન રાખવા જણાવાયું હતું. અજાણ્યા નંબર કે ઈમેઈલથી આવેલી કોઈ પણ લિંક ઓપન ન કરવા અપીલ કરાઈ હતી. અજાણ્યા શખ્સો દ્વારા વેપારીઓ પાસેથી ઓનલાઈન પેમેન્ટ કરવા આગ્રહ રાખવામાં આવે છે. ત્યારે વેપારીઓએ આવા ઠગબાજોથી બચવા શું-શું કરવું જોઈએ તેની માહિતી આપવામાં આવી હતી.ઉપસ્થિત મહિલાઓને સોશિયલ મીડિયા ઉપર પોતાના મોબાઈલ નંબર તથા અંગત માહિતી કે ફોટા ન નાખવા જણાવાયું હતું. મહિલાઓને સાયબર બુલિંગ તથા સ્ટેકિંગ બાબતે વિસ્તૃત માહિતી અપાઈ હતી. આ વેળાએ ઉપસ્થિત લોકોના પ્રતિભાવ પણ જાણવામાં આવ્યા હતા. લોકોએ પોતાના વ્યક્તિગત અનુભવો પણ અહીં વ્યક્ત કર્યા હતા. વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયામાં આવેલી કોઈ માહિતીની ખરાઈ કર્યા વગર આગળ મોકલવી નહીં કે કોઈ ધર્મ, જ્ઞાતિ, જાતિ વિશે ખરાબ લખાણ ન કરવાની પ્રતિજ્ઞા ઉપસ્થિતોને લેવડાવવામાં આવી હતી. આ વેળાએ એ ડિવિઝનના પી.આઈ. ભાવિન સુથાર, એસ.ઓ.જી.ના ગોપાલભાઈ સોધમ વગેરેએ ઉપસ્થિત રહી લોકોને માહિતગાર કર્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer