કલેક્ટરના આદેશ પછી કાર્યવાહી

ભુજ, તા. 14 : ભુજના સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટયૂટ નામની ખાનગી મહિલા કોલેજ અને છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓની ચાલુ ક્લાસ દરમ્યાન ઋતુધર્મની તપાસ કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. શરમથી માથું ઝૂકી જાય એવા આ બનાવના હેવાલો અખબારો અને ટેલીવિઝનના પડદે જોવા મળતાં આજે કચ્છના કલેક્ટરે તપાસનો આદેશ આપતાં કચ્છ યુનિવર્સિટી સંલગ્ન આ કોલેજના પ્રિન્સિપાલ સહિત ત્રણ મહિલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ થયો હતો. છાત્રાઓ સાથે કરાયેલા આ પ્રકારના અશોભનીય વર્તનની વાતો વહેતી થતાં રાજ્ય સરકારમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ખુદ કલેક્ટરને સરકારને હેવાલ આપવો પડયો હતો. આ મુદ્દે કચ્છના મહિલા કલેક્ટર પ્રવીણા ડી. કે.નો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, તેમને આ અંગેની જાણ થતાં જ તુરંત કચ્છ યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ દર્શનાબેન ધોળકિયાને તપાસના આદેશ આપી હેવાલ આપવાનું જણાવ્યું હતું.  કચ્છ યુનિ. તરફથી હેવાલ પણ આવી ગયો છે. યુનિ. તરફથી કુલપતિના અધ્યક્ષ સ્થાને ત્રણ મહિલા સભ્યોની તપાસ સમિતિ રચી કોલેજની મુલાકાત લેવામાં આવી હતી.  યુનિ.એ આપેલા હેવાલમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, મામલો ગંભીર હોવાથી ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓ સાથે હાથ ધરાયેલા આ કૃત્ય અને આ ઘટનાના જવાબદારો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે. સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિ.ના સંચાલકોને આ બાબતની લેખિતમાં જાણ કરી ઘટનામાં સંકળાયેલા પ્રિન્સિપાલ સહિત વોર્ડન અને દેખરેખ રાખનારા મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું. યુનિવર્સિટીની સૂચનાને પગલે ઈન્સ્ટિટયૂટના મંત્રીએ લેખિતમાં જવાબ આપી ઈન્ચાર્જ આચાર્યા રીટાબેન રાણીંગા, પટાવાળા નયનાબેન ગોરસિયા અને વોર્ડન રમીલાબેન હીરાણીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી બાજુ કલેક્ટરે જણાવ્યું કે, 68 છાત્રાઓનો મામલો છે અને આ રીતે માસિક ધર્મની ચકાસણી કરવામાં આવી હોવાની ઘટના સત્ય છે, આવી બીજી કોઈ પણ સંસ્થાઓમાં ન થવું જોઈએ. આ મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકારના મહિલા આયોગના સભ્યો પણ રૂબરૂ તપાસ અર્થે આવી રહ્યા હોવાની અમને સૂચના મળી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer