કિવી સામે અભ્યાસ મેચમાં વિહારીની સદી

હેમિલ્ટન, તા. 14 : હનુમા વિહારીની સદી 101 અને અનુભવી ટેસ્ટ સ્ટાર ચેતેશ્વર પૂજારાના 93 રનની મદદથી ન્યૂઝીલેન્ડ ઇલેવન વિરુદ્ધની અભ્યાસ મેચના પ્રારંભે ભારતીય ટીમ 263 રનના સામાન્ય સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. પ્રથમ ટેસ્ટ અગાઉની આ એકમાત્ર અભ્યાસ મેચમાં ભારતના ત્રણેય ઓપનર પૃથ્વી શો (0), મયંક અગ્રવાલ (1) અને શુભમન ગિલ (0) નિષ્ફળ રહ્યા હતા. ટેસ્ટ ઉપસુકાની રહાણે (18) પણ સસ્તામાં આઉટ થયો હતો. આથી એક તબક્કે ભારતની પ રનમાં 3 અને 38 રનમાં 4 વિકેટ પડી ગઈ હતી. સુકાની વિરાટ કોહલીએ અભ્યાસ મેચમાં ભાગ લીધો ન હતો. તેણે મેદાન બહાર નેટ પ્રેક્ટિસ કરવાનું પસંદ કર્યું હતું. પ્રારંભિક ધબડકા બાદ પૂજારા અને હનુમા વિહારીએ બાજી સંભાળીને કિવી બોલરોનો મક્કમતાથી સામનો કર્યો હતો. અનુભવી પૂજારાના સાથમાં વિહારીએ પાંચમી વિકેટમાં 199 રનની સોલિડ પાર્ટનશશિપ કરીને ટીમને ધબડકામાંથી ઉગારી લીધી હતી. ચેતેશ્વર પૂજારા સાત રને સદી ચૂકી ગયો હતો. તેણે 211 દડામાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાથી શાનદાર 93 રન કર્યા હતા. જ્યારે હનુમા વિહાર સદી બાદ રિટાયર્ડ હર્ટ થયો હતો. તેણે 182 દડાની ઇનિંગ્સમાં 10 ચોગ્ગા-3 છગ્ગા લગાવ્યા હતા. તેની વિકેટ 24પ રને પડી હતી. આ પછી ફરી ભારતનો ધબડકો થયો હતો અને વધુ 18 રનના ઉમેરામાં ટીમ ઓલઆઉટ થઇ હતી. બન્ને વિકેટકીપર રિષભ પંત (7) અને રિદ્ધિમાન સાહા (0) પણ નિષ્ફળ રહ્યા હતા. અશ્વિને પણ મીંડુ મુકાવ્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી ઝડપી બોલર સ્કોટ કાગીલેન અને સ્પિનર ઇશ સોઢીએ 3-3 વિકેટ લીધી હતી. ગિબ્સનને 2 વિકેટ મળી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer