એફઆઇએચનો શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ જીતનારો મનપ્રિત ભારતનો પહેલો ખેલાડી

લુસાને, તા. 14 : ભારતીય પુરુષ હોકી ટીમનો કેપ્ટન મનપ્રિત સિંઘ આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ (એફઆઇએચ) દ્વારા 2019ના વર્ષનો સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર જીતનારો પહેલો ભારતીય ખેલાડી બન્યો છે. મનપ્રિતની આગેવાનીમાં ભારતીય હોકી ટીમ ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ થઈ છે અને હવે વિશ્વ ક્રમાંકમાં પ્રગતિ કરીને ચોથા સ્થાને પહોંચી ગઈ છે. આ એફઆઇએચનો આ પ્રતિષ્ઠિત એવોર્ડ 1999થી શરૂ થયો છે. એ પછી મનપ્રિત આ એવોર્ડ મેળવનારો પહેલો ભારતીય હોકી ખેલાડી બન્યો છે. આ રેસમાં તેણે બેલ્જિયમના આર્થર વાન ડોરેન અને આર્જેન્ટિનાના લુકાસ વિલાને પાછળ રાખી દીધા હતા. મનપ્રિતને 3પ.2 ટકા મત મળ્યા હતા. જ્યારે આર્થરને 19.7 અને લુકાસને 16.પ ટકા મત મળ્યા હતા.  27 વર્ષીય મનીપ્રત સિંધે 2011માં ભારતીય ટીમમાં પદાર્પણ કર્યું હતું. તે અત્યાર સુધીમાં 260 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. તેનું કહેવું છે કે આ એવોર્ડ જરૂરી ખુશી આપે છે, પણ અમારું લક્ષ્ય ટોકિયો ઓલિમ્પિકમાં મેડલ જીતવો છે. મનપ્રિતની આગેવાનીમાં ભારતીય હોકી ટીમે તાજેતરમાં નંબર વન બેલ્જિયમને એક મેચમાં હાર આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer