વિંઝાણની જમીનના ચકચારી કેસમાં જેન્તી ઠક્કરને હાઇકોર્ટના જામીન

ભુજ, તા. 14 : આઇ.ડી.બી.આઇ. બેન્કને સંલગ્ન અબડાસાના વિંઝાણ ગામની જમીનના ભારે ચકચારી બનેલા ફોજદારી કેસમાં સૂત્રધાર બતાવાયેલા આરોપી જેન્તીલાલ જેઠાલાલ ઠક્કર (ડુમરાવાળા)ને રાજ્યની હાઇકોર્ટ દ્વારા નિયમિત જામીન આપતો આદેશ કરાયો છે. કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના ઉચાપત કેસ બાદ તાજેતરના દિવસોમાં હાલે જ્યુડિશિયલ કસ્ટડી (જેલવાસ) ભોગવી રહેલા મુખ્ય આરોપીને આ બીજી કાયદાકીય રાહત મળી છે.વિંઝાણ ગામના વ્રજકુંવરબા જેઠુજી જાડેજા નામના મહિલાના નામની જમીનનો બોગસ દસ્તાવેજ બનાવવાના અને આ જમીન ઉપર પરબારૂં રૂા. 82 લાખનું ધિરાણ લેવાના મામલે રાજ્યના સી.આઇ.ડી. ક્રાઇમ વિભાગ દ્વારા ગુનો દાખલ કરાયો હતો. જેમાં માજી ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાલીની હત્યાના કેસમાં જેલવાસ ભોગવી રહેલા ડુમરાના જેન્તીભાઇ ઠક્કરને મુખ્ય આરોપી બતાવાયા હતા. આ કેસમાં શ્રી ઠક્કર માટે રાજ્યની વડી અદાલતમાં નિયમિત જામીન અરજી મુકાઇ હતી. ન્યાયાધિશ વી.એમ. પંચોલી સમક્ષ સુનાવણી હાથ ધરાયા બાદ તેમણે જામીન અરજી મંજૂર કરતો ચુકાદો આજે આપ્યો હતો. આ કેસમાં આરોપી વતી વકીલ તરીકે સિનિયર કાઉન્સિલ યોગેશભાઇ લાખાણી સાથે મેહુલ વખારિયા અને હાર્દિક દવે તથા સ્થાનિકે અમિત એ. ઠક્કર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કે.ડી.સી.સી. બેન્કના કેસ બાદ જેન્તી ઠક્કરને આ દ્વિતીય કેસમાં કાયદાકીય રાહત મળી છે. સુનાવણી દરમ્યાન બચાવ પક્ષના વકીલોએ વિંઝાણના કેસમાં નવ વર્ષ જેટલા લાંબા ગાળા બાદ ખૂનકેસમાં ધરપકડ પછી બદઇરાદા સાથે ફરિયાદ દાખલ કરવી અને લોનની રકમ 2014માં ભરાઇ જવાની અને આના કારણે કોઇપણ વ્યક્તિ કે સંસ્થાને નુકસાન ન થવા સહિતની દલીલો પેશ કરી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer